વડા પ્રધાને દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી હતી.
વારાણસી (પી.ટી.આઇ.)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી હતી. આ ક્રૂઝ ૫૧ દિવસમાં ૩૨૦૦ કિલોમીટરની મુસાફરી કરીને વાયા બંગલાદેશ દિબ્રુગઢમાં પહોંચશે. વડા પ્રધાને કહ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે.
મોદીએ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વારાણસીમાં ઘાટની સામે ગંગા નદીના કિનારે તૈયાર કરવામાં આવેલા ટેન્ડ સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
મોદીએ સંબોધતાં જણાવ્યું હતું કે ‘આપણી નદીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. એટલે આપણે નદી-જળમાર્ગોના વિકાસને સંબંધિત આટલા મોટા ઉત્સવના સાક્ષી બન્યા છીએ. આજે મારી કાશીથી દિબ્રુગઢની વચ્ચે દુનિયાની સૌથી લાંબી નદી જળયાત્રા ગંગા વિલાસનો શુભારંભ થયો છે. એનાથી પૂર્વ ભારતના અનેક ટૂરિસ્ટ્સ સ્પોટ્સ વર્લ્ડ ટૂરિઝમ મૅપમાં વધારે ઊભરશે.
કાશીમાં ગંગાને પાર નવી અદ્ભુત ટેન્ટ સિટીથી ત્યાં આવવા અને રહેવા માટે વધુ એક કારણ દેશ-દુનિયાના ટૂરિસ્ટ્સ અને શ્રદ્ધાળુઓને મળ્યું છે. એની સાથે જ આજે પશ્ચિમ બંગાળમાં મલ્ટિ-મૉડલ ટર્મિનલ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ફ્લોટિંગ જેટી, આસામમાં મૅરિટાઇમ સ્કિલ સેન્ટર, ટર્મિનલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ એવા એક હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું પણ ભૂમિપૂજન અને લોકાર્પણ થયું છે. એ પૂર્વ ભારતમાં ટ્રેડ અને ટૂરિઝમને સંબંધિત શક્યતાઓનો વ્યાપ વધારશે. રોજગારની નવી તકો ઊભી કરશે. ગંગા આપણા માટે
માત્ર જળધારા નથી, બલકે એ પ્રાચીનકાળથી આ મહાન ભારતભૂમિની તપસ્યાની સાક્ષી છે. ભારતની સ્થિતિ ગમે એવી રહી હોય, ગંગા માતાએ હંમેશાં કરોડો ભારતીયોને પોષણ
આપ્યું છે.’