સ્ટીવ જૉબ્સે તેની ૧૯મી વર્ષગાંઠે ૨૩ ફેબ્રુઆરીએ પોતાના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને આ પત્ર લખ્યો હતો.
મહાકુંભ ડાયરી
કુંભ વિશે સ્ટીવ જૉબ્સે ૫૦ વર્ષ પહેલાં લખેલો પત્ર
ઍપલ કંપનીના સહસ્થાપક દિવંગત સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ મહાકુંભમાં ભાગ લેવા ભારત આવી છે ત્યારે જાણવા મળે છે કે ૫૦ વર્ષ પહેલાં ૧૯૭૪માં સ્ટીવ જૉબ્સે હાથે લખેલો એક પત્ર હરાજીમાં ૫,૦૦,૩૧૨ ડૉલર (આશરે ૪.૩૨ કરોડ રૂપિયા)માં વેચાયો છે. આ પત્રમાં સ્ટીવ જૉબ્સે કુંભમેળા માટે ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પત્રમાં આધ્યાત્મિક અને કાવ્યાત્મક ઝલક જોવા મળે છે. સ્ટીવ જૉબ્સે તેની ૧૯મી વર્ષગાંઠે ૨૩ ફેબ્રુઆરીએ પોતાના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને આ પત્ર લખ્યો હતો. આ પત્ર સ્ટીવે વોઝ્નાઇક સાથે ઍપલની સ્થાપના કર્યાનાં બે વર્ષ પહેલાં લખ્યો હતો. એમાં જૉબ્સે ભારતમાં આયોજિત થનારા કુંભ વિશે પોતાની રુચિ દર્શાવી હતી. તેણે કુંભમેળામાં ભાગ લેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલમાં તેની પત્ની કુંભમેળામાં આવી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તે પતિની ઇચ્છા પૂરી કરવા માટે અહીં આવી છે.
ADVERTISEMENT
એવો દાવો કરવામાં આવે છે કે બ્રાઉને લખેલા પત્રના જવાબમાં સ્ટીવ જૉબ્સે આ પત્ર લખ્યો હતો. એમાં તે ઘણો ચિંતિત પ્રતીત થાય છે. એમાં તેણે ઘણી વાર રડવાની વાત પણ કરી છે. એમાં જૉબ્સે લખ્યું છે કે ‘હું ભારત જવા ઇચ્છું છું. હું ત્યાં આયોજિત થનારા કુંભમેળામાં ભાગ લેવા ચાહું છું. એપ્રિલથી શરૂ થનારા આ આયોજન માટે હું માર્ચમાં કોઈ પણ સમયે જઈશ. જોકે આ બાબતે હું નિશ્ચિત નથી.’
પત્રમાં તેણે છેલ્લે ‘શાંતિ, સ્ટીવ જૉબ્સ’ એમ લખ્યું છે.
પત્રના અંતમાં શાંતિ લખ્યું છે એ સ્ટીવ જૉબ્સના હિન્દુ ધર્મ પ્રત્યેના આધ્યાત્મિક ઝુકાવને દર્શાવે છે.