લાડુ-વિવાદની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરશે
શુદ્ધીકરણ માટે મંદિરમાં આવતા અને પછી સૌપહેલાં જ્યાં લાડુ બને છે એ રસોડાને શુદ્ધ કરતા સંતો.
આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા વપરાતા ઘીમાં પશુઓની ચરબીનો ઉપયોગ થતો હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ લગાવ્યા બાદ આ કેસની તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપી દેવામાં આવી છે. SITની દેખરેખ ઇન્સ્પેક્ટર જનરલ (IG) કક્ષા કે એની ઉપરના સ્તરના અધિકારી કરશે અને તેઓ એવાં તમામ કારણો જાણવાની કોશિશ કરશે જેમાં સત્તાનો દુરુપયોગ થયો છે. તેઓ આ રિપોર્ટ મુખ્ય પ્રધાનને સોંપશે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે સરકાર આ મુદ્દે સખત પગલાં લેશે જેથી ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન થાય નહીં.
ગઈ કાલે તિરુપતિ મંદિરમાં આશરે ચાર કલાક સુધી શુદ્ધીકરણ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન વેન્કટેશ્વર સ્વામીની મંત્રોચ્ચાર સાથે માફી માગવામાં આવી હતી. પૂજામાં પંચગવ્ય પ્રોક્ષણના માધ્યમથી ભગવાનને પ્રસન્ન કરવામાં આવ્યા હતા. મહા શાંતિહોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના પૂજારીઓ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓએ ભાગ લીધો હતો. શુદ્ધીકરણ શાંતિ હોમ વિશે જાણકારી આપતાં TTDના એક્ઝિક્યુટિવ ઑફિસર શ્યામલા રાવે કહ્યું હતું કે ‘આ પૂજાવિધિ સવારે છ વાગ્યે શરૂ થઈ હતી અને ચાર કલાક સુધી ચાલી હતી. લાડુ બનાવવામાં આવતા રસોડાનું શુદ્ધીકરણ પહેલાં કરવામાં આવ્યું હતું. હોમનું આયોજન શ્રીવારી (શ્રી વેન્કટેશ્વર) મંદિરના બંગારુ બાવી (સુવર્ણ કૂવો), યજ્ઞશાળા (અનુષ્ઠાન સ્થળ)માં કરવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
સંતો-પૂજારીઓની સલાહ લેશે સરકાર
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીના ઉપયોગનો વિવાદ બહાર આવ્યા બાદ ભાવિકો અને સંતસમાજમાં ગુસ્સો વધી રહ્યો છે. ચંદ્રાબાબુ નાયડુ હવે સંતો, પૂજારીઓ અને હિન્દુ ધર્મના નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણા કરશે. આ વિવાદ બાદ ઘણા હિન્દુ-મંદિરોએ બહારથી લવાતો પ્રસાદ ભગવાનને અર્પણ કરવાનું રોકી દીધું છે.
સુબ્રમણ્યન સ્વામીની સુપ્રીમ કોર્ટમાં અરજી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સિનિયર નેતા સુબ્રમણ્યન સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને લાડુ બનાવવા માટે વપરાતી ખરાબ ક્વૉલિટીની આઇટમોના આરોપની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક તપાસ-સમિતિના ગઠનની માગણી કરી છે. લાડુ બનાવવા માટે ઘીના સપ્લાયર અને સૅમ્પલ વિશે આંધ્ર પ્રદેશ સરકારને વિસ્તૃત રિપોર્ટ આપવા નિર્દેશ આપવાની તેમણે માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે ‘સૅમ્પલના રિઝલ્ટની વાત મીડિયામાં લીક કરવાની જરૂર નહોતી, પહેલાં મંદિર પ્રશાસન સામે કાર્યવાહી કરવાની જરૂર હતી. કેટલાક લોકોએ એનો રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે.’
મંદિરોનું પ્રશાસન સરકાર નહીં, હિન્દુઓ જાતે કરે : સદ્ગુરુ
તિરુપતિ પ્રસાદ-વિવાદ વિશે બોલતાં ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ સદ્ગુરુએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી મેળવવી અતિશય ઘૃણિત કરનારું કૃત્ય છે એટલે મંદિરોનું સંચાલન સરકારી પ્રશાસન દ્વારા નહીં, ભાવિકો દ્વારા કરવામાં આવવું જોઈએ. જ્યાં ભક્તિ નથી ત્યાં પવિત્રતા નથી. હવે સમય આવી ગયો છે કે હિન્દુ મંદિરો સરકારી પ્રશાસન દ્વારા નહીં, પણ ધર્મનિષ્ઠ હિન્દુઓ દ્વારા ચલાવવામાં આવે.’
ઘીના દર વધ્યા, ભેળસેળ શરૂ થઈ
તિરુપતિ બાલાજી મંદિરમાં ઘીની સપ્લાય કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) કરતુંહતું.૨૦૨૩ના જુલાઈ મહિનામાં દૂધની કિંમત પ્રતિ લીટર ત્રણ રૂપિયા વધતાં એણે ઘીના દરમાં વધારો કર્યો હતો અને જાહેરાત કરી કે હવેથી તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ નંદિની ઘીમાંથી નહીં બને, કારણ કે મંદિર પ્રશાસન TTDએ તામિલનાડુની નવી કંપનીને એની પૅનલમાં સામેલ કરી છે. તામિલનાડુની એ. આર. ડેરી ફૂડ કંપનીએ ઘી સપ્લાય કરવાનો કૉન્ટ્રેક્ટ મેળવ્યો અને તેઓ ૩૨૦ રૂપિયે કિલોગ્રામના ભાવે ઘી સપ્લાય કરતા થયા. જોકે આ વર્ષના જૂનમહિનામાં આંધ્ર પ્રદેશમાં સત્તાપરિવર્તન થયું અને ચંદ્રાબાબુ નાયડુની સરકાર બની.
પવન કલ્યાણે પ્રાયશ્ચિત્તા માટે ૧૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને જન સેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે લાડુ-વિવાદ બાદ પ્રાયશ્ચિત માટે ૧૧ દિવસના ઉપવાસ શરૂ કરી દીધા છે. ગુન્ટુર જિલ્લાના નમ્બુરમાં શ્રી દશાવતાર વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં તેમણે રવિવારે ૧૧ દિવસની તપસ્યા-દીક્ષા લીધી હતી અને આ વ્રત પૂર્ણ કર્યા બાદ તેઓ તિરુમાલા વેન્કટેશ્વર સ્વામીનાં દર્શન કરવા જશે. તેમણે કહ્યું હતું કે જો ચર્ચ કે મસ્જિદમાં આવું થયું હોત તો રાષ્ટ્રવ્યાપી સ્તરે વિવાદ ઊભો થયો હોત, આવા મુદ્દે શા માટે હિન્દુઓએ તેમનો વિરોધ ન નોંધાવવો જોઈએ?
જગનમોહન રેડ્ડીએ નિયમોમાં કર્યા ફેરફાર: ચંદ્રાબાબુ નાયડુ
ઘી-વિવાદ મુદ્દે બોલતાં ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે ‘ઘીના સપ્લાયરને ત્રણ વર્ષનો ઘી-સપ્લાયનો અનુભવ હોવો જોઈએ એવો નિયમ હતો, પણ જગનમોહન રેડ્ડીએ સત્તા સંભાળતાંની સાથે જ એ ઘટાડીને એક વર્ષ કરી દીધો હતો. સપ્લાયરનું ટર્નઓવર ૨૫૦ કરોડ રૂપિયાહોવું જોઈએ એ નિયમ પણ ઘટાડીને ૧૫૦ કરોડ રૂપિયા કરી દેવાયો હતો. નાયડુએ સવાલ કરતાં કહ્યું હતું કે પામતેલ પણ આટલું સસ્તું નથી હોતું તો શુદ્ધ ઘી ૩૨૦ રૂપિયે કેવી રીતે સપ્લાય થઈ શકે એ કોઈએ વિચાર્યું નથી.’