૪૩ વર્ષ બાદ બનારસમાં બાબા વિશ્વનાથ પોતાના ભક્તોને ૪૬ કલાક સુધી લગાતાર દર્શન આપશે : સવારે ગેટ નંબર ચારથી નાગા સાધુ દર્શન કરશે
મહાશિવરાત્રિની પૂર્વસંધ્યાએ ગઈ કાલે વારાણસીમાં ભક્તોનો મહેરામણ.
ઉત્તર પ્રદેશના કાશીમાં મહાશિવરાત્રિના આજના દિવસે કાશી વિશ્વનાથ મંદિરમાં ભાવિકો માટે દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ૪૩ વર્ષના ગાળા બાદ બાબા ભોલેનાથનાં લગાતાર ૪૬ કલાક સુધી દર્શન કરી શકાશે. આ વર્ષે પંચ દશનામ જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિ સાથે પ્રશાસનની થયેલી બેઠક
બાદ મહાશિવરાત્રિ પર અખાડાનાં દર્શન-પૂજન માટે સમય અને માર્ગ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે.
આજે સવારે ત્રણ કલાક માટે સવારે છથી ૯ વાગ્યા સુધી ગેટ નંબર ચારથી અખાડાના સાધુ-સંન્યાસી અને નાગા સાધુ વિશ્વનાથનાં દર્શન કરશે. જે સમયે અખાડા મંદિરમાં દર્શન કરતા હશે એ સમયે ગેટ નંબર ચાર સામે ભાવિકો લાઇનમાં ઊભા રહેશે. આમ આદમીઓ માટે આ સમયે દર્શન બંધ રહેશે.
ADVERTISEMENT
ગઈ કાલે વારાણસીમાં ગંગા ઘાટ પર યોગમુદ્રામાં નાગા સાધુ.
આજે ઉપાસનાના ફાયદા
આજે મહાશિવરાત્રિએ ભગવાન શિવની પૂજા અને ઉપાસના કરવાના ઘણા ફાયદા છે જેમાં દરેક મનોકામના પૂરી થાય છે. આજે શિવપૂજનથી સ્થાયી સુખ, સમૃદ્ધિ, સંતાનસુખ, આયુષ્ય, આરોગ્ય અને રોગમાંથી છુટકારો મળે છે. જેમની જન્મ કુંડળીમાં કાલસર્પ દોષ, વિષ યોગ, શનિની ઢૈયા, સાડાસાતી અને મંગળનો દોષ છે એ પણ શિવરાત્રિના વ્રત અને ભગવાન શિવની વિધિપૂર્વક પૂજાથી દૂર થાય એવી માન્યતા છે.
મહાશિવરાત્રિથી મોટું વ્રત નથી
જે લોકોના ઘરમાં ઝઘડા, વિવાદ, લડાઈ, આપસી મતભેદ, પરેશાની અને કોર્ટના કેસ ચાલતા હોય, વેપારમાં નુકસાન થતું હોય, વેપાર બંધ થઈ ગયો હોય, ભાગ્યમાં અવરોધ આવતો હોય તેમના માટે મહાશિવરાત્રિ જેવું બીજું કોઈ વ્રત નથી.
ગઈ કાલે વારાણસીમાં ગંગા ઘાટ પર એક વિદેશી ભક્ત.
૬૦ વર્ષ બાદ ત્રિગ્રહી યોગ
૨૦૨૫માં મહાશિવરાત્રિએ ત્રણ દુર્લભ સંયોગ બની રહ્યા છે. ૬૦ વર્ષ બાદ સૂર્ય, બુધ અને શનિ ગ્રહ કુંભ રાશિમાં છે. ૩૧ વર્ષ બાદ બુધઆદિત્ય યોગ અને ૭ વર્ષ બાદ શ્રવણ અને ઘનિષ્ઠા નક્ષત્રનો યુગ્મ યોગ બની રહ્યો છે.
મંદિરની સુરક્ષામાં વધારો
કાશી વિશ્વનાથ મંદિરમાં ભાવિકોની જે રીતે ભીડ વધી રહી છે એ જોઈને મંદિર પ્રશાસને અને રાજ્ય સરકારે મંદિરની સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી છે. મંદિરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સશસ્ત્ર સેના બળ (SSB)ની ત્રણ કંપનીઓ તહેનાત છે. આ સિવાય પોલીસ ઍક્શન કમાન્ડો, રૅપિડ પોલીસ ફોર્સ અને જિલ્લા પોલીસ તહેનાત છે. આશરે ૪૫૦ પોલીસ-કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
રેલવે-સ્ટેશન પર ક્રાઉડ કન્ટ્રોલ
કાશીના રેલવે-સ્ટેશન પર ક્રાઉડ કન્ટ્રોલ માટે વ્યવસ્થા તૈયાર કરાઈ છે. ટિકિટ વગરના લોકોને સ્ટેશન પરિસરમાં એન્ટ્રી રોકી દેવામાં આવી છે. કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ભીડના નિયંત્રણ માટે હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મહાકુંભ હોલ્ડિંગ એરિયા, અયોધ્યા હોલ્ડિંગ એરિયા અને વારાણસી હોલ્ડિંગ એરિયાનો સમાવેશ છે.
સાત અખાડા, પાંચ રાજસી યાત્રા
આજે મહાશિવરાત્રિના રોજ આરાધ્યદેવોની સાથે સાત અખાડા પાંચ ઘાટોની પેશવાઈ રાજસી યાત્રા કાઢીને દેવાધિદેવ મહાદેવનાં ચરણ પખાળવા પહોંચશે. બે અખાડા નાવથી અને બાકીના અખાડા પદયાત્રા કરીને મંદિર પહોંચશે. બગી, ઘોડા પર સવાર થઈને અખાડાઓના આચાર્ય મહામંડલેશ્વરની આગેવાનીમાં નાગા સાધુ-સંત રાજસી અંદાજમાં મંદિર પહોંચશે. સૌથી જૂનામાં જૂના પાંચ અખાડા સવારે ૬ વાગ્યે, મહાનિર્વાણી અને અટલ અખાડા એકસાથે બપોરે ૧૨ વાગ્યે પેશવાઈ કાઢશે. ૫૦૦૦થી વધારે નાગા સાધુ-સંત દર્શન કરશે.
શિવ અને શક્તિના મિલનનો દિવસ
ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રિ મનાવવામાં આવે છે. આને શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ કહેવામાં આવે છે અને એથી આજે ભગવાન શિવનો પ્રત્યેક અંશ આખો દિવસ અને રાત શિવલિંગમાં મોજૂદ રહે છે.
૧૪૪ વર્ષ બાદ સુંદર યોગ
આજે મહાશિવરાત્રિના દિવસે મહાકુંભનું સમાપન થઈ રહ્યું છે અને આવો યોગ પણ ૧૪૪ વર્ષ બાદ બની રહ્યો છે. મહાકુંભનું અંતિમ અમૃત સ્નાન મહાશિવરાત્રિએ થવાનું છે.
સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી અને શયન આરતી નહીં
આજે મહાશિવરાત્રિના દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દિવસ દરમ્યાન થતી સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી અને શયન આરતીનું આયોજન કરવામાં નહીં આવે. એના સ્થાને બાબા વિશ્વનાથની ચાર પ્રહરની વિશેષ આરતી થશે. પરંપરા મુજબ મહાશિવરાત્રિએ ચાર પ્રહરની આરતી કરવામાં આવે છે. મહાશિવરાત્રિએ સવારે ૩.૧૫ વાગ્યે બાબાની મંગલા આરતી થશે. ત્યાર બાદ ૩.૩૦ વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવશે.
ચાર પ્રહરની પૂજાનો સમય
રાત્રિના પ્રથમ પ્રહરમાં પૂજાનો સમય સાંજે ૬.૧૯થી લઈને રાત્રે ૯.૨૬ સુધી
બીજા પ્રહરની પૂજાનો સમય રાત્રે ૯.૨૬થી લઈને મધ્યરાત્રિ ૧૨.૩૪ સુધી
ત્રીજા પ્રહરની પૂજાનો સમય (૨૭ ફેબ્રુઆરીએ) મધ્યરાત્રિ ૧૨.૩૪થી લઈને વહેલી સવારે ૩.૪૧ સુધી
ચોથા પ્રહરની પૂજાનો સમય વહેલી સવારે ૩.૪૧થી લઈને સવારે ૬.૪૮ સુધી
દર્શનમાં કોઈ અવરોધ નહીં
કાશી વિશ્વનાથ મંદિરમાં ચાર પ્રહરની પૂજાવિધિ ચાલી રહી હશે ત્યારે મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને દર્શન કે ઝાંકીમાં કોઈ અવરોધ નહીં રહે એમ મંદિર પ્રશાસને જણાવ્યું છે.

