અરજદાર લાયક રામ નેગીનો આરોપ છે કે જો રિટર્નિંગ ઑફિસરે ઇલેક્શન લડવા માટેનાં તેમનાં નૉમિનેશન પેપર્સ રદ ન કર્યાં હોત તો તેઓ આ ચૂંટણી જીતી ગયા હોત અને આ જ કારણસર ચૂંટણી રદ કરવા તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
કંગના રનૌત
હિમાચલ પ્રદેશના કિન્નોરના રહેવાસી લાયક રામ નેગીએ હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટમાં કંગના રનૌતની મંડી બેઠક પરથી લોકસભામાં થયેલી જીતને રદ કરવા માટે યાચિકા દાખલ કરી છે. ગઈ કાલે આ કેસની સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ જ્યોત્સ્ના રેવાલે કંગનાને નોટિસ મોકલીને ૨૧ ઑગસ્ટ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.
યાચિકાકર્તાનું કહેવું છે કે ચૂંટણી લડવા માટેનાં તેનાં નૉમિનેશનનાં પેપર્સ રિટર્નિંગ ઑફિસર દ્વારા ખોટી રીતે અમાન્ય ઠેરવવામાં આવ્યાં હતાં. લાયક રામ નેગી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ કર્મચારી હોવાથી તેમને ઇલેક્ટ્રિસિટી, વૉટર અને ટેલિફોન ડિપાર્ટમેન્ટ પાસેથી ‘નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ’ લાવવાનું કહેવામાં આવ્યું હતું અને એના માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પણ બીજા દિવસે જ્યારે તેઓ આ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવા ગયા ત્યારે રિટર્નિંગ ઑફિસરે એ લેવાનો ઇનકાર કરીને તેમનાં નૉમિનેશન પેપર્સ રિજેક્ટ કરી દીધાં હોવાનો આરોપ યાચિકામાં કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ સિવાય તેમનું કહેવું છે કે જો મારાં નૉમિનેશન પેપર્સ સ્વીકારી લેવામાં આવ્યાં હોત તો હું આ ચૂંટણી જીતી ગયો હોત અને આ જ કારણસર લાયક રામ નેગીએ મંડીની ચૂંટણી રદ કરવા માટે હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.