કૉન્ગ્રેસે દસમાંથી પાંચ બેઠકો માગી હતી, પણ અખિલેશે છ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેતાં ગઠબંધનમાં બધું બરાબર નથી એનો સંકેત આપી દીધો છે.
પ્રતીકાત્મક તસવીર
હરિયાણામાં કૉન્ગ્રેસના ભૂંડા પરાજય બાદ એના સાથીપક્ષોએ એની સામે તલવારો ઉગામી છે. શિવસેના (ઉદ્ધવ ગ્રુપ), તૃણમૂલ કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ કૉન્ગ્રેસની આકરી ટીકા કરી છે અને એને નાની અને સ્થાનિક પાર્ટીઓની અવગણના કરતી અહંકારી પાર્ટી ગણાવી છે.
દિલ્હીમાં આગામી વિધાનસભાની ચૂંટણી AAP એકલી લડશે એની જાહેરાત કરી દેવામાં આવી છે. AAPની પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું હતું કે એક તરફ ઓવરકૉન્ફિડન્ટ કૉન્ગ્રેસ છે અને બીજી તરફ અહંકારી ભારતીય જનતા પાર્ટી છે એટલે અમે દિલ્હીમાં ચૂંટણી એકલે હાથે લડીશું.
ADVERTISEMENT
શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણામાં કૉન્ગ્રેસે એના સાથીપક્ષોની સાથે ગઠબંધન કર્યું નહીં અને અહંકારને કારણે એનો પરાજય થયો છે. કૉન્ગ્રેસની પાસે જીતની બાજીને પરાજયમાં પલટવાની કળા છે એમ એમાં જણાવવામાં આવ્યું છે.
આ સિવાય સંસદસભ્ય અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘હરિયાણામાં INDIA ગઠબંધન નહોતું. કૉન્ગ્રેસના નેતાઓ ઓવરકૉન્ફિડન્ટ હતા. સમાજવાદી અને AAPને સામેલ કરવામાં આવી હોત તો પરિણામ કંઈક અલગ હોત.’
મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસે આ પરિણામ પરથી બોધપાઠ લેવાની જરૂર છે. જ્યારે તેમને લાગે છે કે તેઓ જીતી શકે એમ છે ત્યારે તેઓ બીજા પક્ષોને ગણકારતા નથી, પણ જ્યાં પરાજય થશે એવું લાગે છે ત્યારે તેઓ ગઠબંધન કરે છે.’
RJDના પ્રવક્તા સુબોધ મહેતાએ પણ કૉન્ગ્રેસને બધાને સાથે રાખીને રાજકારણ કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ‘ગઠબંધનમાં બધાનો આદર કરવાનો હોય છે. મોટા પક્ષોએ સ્થાનિક પાર્ટીઓને માન આપવાની જરૂર છે. દરેક જણે ભોગ આપવો પડે છે.’
સમાજવાદી પાર્ટીએ પેટાચૂંટણીના દસમાંથી છ ઉમેદવાર જાહેર કરી દીધા
સમાજવાદી પાર્ટીએ હરિયાણાના રિઝલ્ટ બાદ ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં થનારી પેટાચૂંટણી માટે દસમાંથી છ ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં હતાં. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કૉન્ગ્રેસનું ગઠબંધન હોવા છતાં અખિલેશ યાદવે કૉન્ગ્રેસને પૂછ્યા વિના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં હતાં. કૉન્ગ્રેસે દસમાંથી પાંચ બેઠકો માગી હતી, પણ અખિલેશે છ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેતાં ગઠબંધનમાં બધું બરાબર નથી એનો સંકેત આપી દીધો છે.