લખનઉમાં મહિલાએ આવો આરોપ મૂકતાં કહ્યું કે ચાંદ મોહમ્મદે પોતાની જાતને સની ગણાવીને તેની સાથે મૅરેજ કર્યાં
પ્રતીકાત્મક તસવીર
લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ધર્મપરિવર્તનનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક મહિલાએ આરોપ મૂક્યો છે કે જ્યારે તેણે તેનો ધર્મ બદલવાની ના પાડી તો તેના પતિએ તેને વારંવાર માર માર્યો, સિગારેટથી ડામ આપ્યા, ઊકળતું તેલ ફેંક્યું અને માંસ ખાવા મજબૂર પણ કરી હતી. મહિલાએ વધુ આરોપ મૂક્યો છે કે તેના પતિ ચાંદ મોહમ્મદે પોતાની ધાર્મિક ઓળખ છુપાવીને પોતાને હિન્દુ ગણાવીને છેતરપિંડીથી તેની સાથે મૅરેજ કર્યાં હતાં.
આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મોહમ્મદે તેની સાથે મૅરેજ કરવા માટે પોતાનું નામ સની મૌર્ય હોવાનું જણાવ્યું હતું. જેના પછી તેઓ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં હતાં, જ્યારે તેણે મુસ્લિમ ધર્મ અપનાવવાની ના પાડી તો મોહમ્મદે તેનું સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ કર્યું, તેને સીગારેટના ડામ આપ્યા અને તેના પર ગરમ તેલ ફેંક્યું હતું. આ મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે મોહમ્મદે તેને ધમકી આપી હતી કે જો તે તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરશે તો તે તેને મારી નાખશે અને પોતાના રિલેટિવ્સ દ્વારા તેનો ગૅન્ગ-રેપ કરાવશે.
પીડિતાએ આરોપ મૂક્યો હતો કે જ્યારે પણ તે ઘરેથી ભાગીને ફરિયાદ કરાવવાની કોશિશ કરતી હતી ત્યારે તે તેને ઘરમાં કેદ કરી લેતો હતો અને તેને માર મારતો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે મોહમ્મદ તેને ખૂબ માર મારતો હોવાને કારણે તેને ગર્ભપાત થઈ ગયો હતો.