તિરુવનંતપુરમના સંસદસભ્યનું સ્થાનિક શૅરમાં રોકાણ ગ્લોબલ ઇક્વિટીના માત્ર ૧૮ ટકા છે
શશિ થરૂર
ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે કેરલાના તિરુવનંતપુરમથી ઉમેદવારી નોંધાવી હતી. તેમનું ઍફિડેવિટ કહે છે કે તેમને સ્થાનિક કંપનીઓ કરતાં વિદેશી સ્ટૉકમાં રોકાણ કરવાનું વધારે પસંદ છે. શશી થરૂરે ડોમેસ્ટિક ઇક્વિટીમાં લગભગ ૧.૭૨ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે જે ગ્લોબલ ઇક્વિટીમાં તેમના ઇન્વેસ્ટમેન્ટના માત્ર ૧૮ ટકા છે. વિદેશી કંપનીઓમાં તેમણે ૯.૩૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત તિરુવનંતપુરમના સંસદસભ્યે ૨૩ મ્યુચ્યુઅલ ફન્ડમાં કુલ ૧.૭૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જેમાં ફ્રૅન્કલીન મ્યુચ્યુઅલ ફન્ડમાં પાંચ સ્કીમ, HDFC AMCની ચાર સ્કીમ અને ICICI AMCમાં ત્રણ સ્કીમનો સમાવેશ થાય છે. શશી થરૂરના મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ૨૬.૪૮ લાખ રૂપિયાની સાત ટૅક્સ સેવિંગ સ્કીમ પણ છે.
ઍફિડેવિટ મુજબ તેમણે ૨૧ બૅન્ક-ડિપોઝિટમાં ૧૦.૦૮ કરોડ રૂપિયા જમા કર્યા છે અને બિટકૉઇન એક્સચેન્જ-ટ્રેડેડ ફન્ડમાં લગભગ ૫.૧૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. બિટકૉઇનને ભારતમાં હજી કાયદેસર માન્યતા મળી નથી. US ટ્રેઝરીમાં તેમનું રોકાણ ૨.૦૨ કરોડ રૂપિયા છે. કૉર્પોરેટ બૉન્ડ્સ અને ડિપોઝિટ સર્ટિફિકેટમાં તેમણે કુલ ૪.૩૮ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.

