જોકે મરાઠા નેતાનું કહેવું છે કે રાજકારણની ચર્ચા માટે નહીં પણ ખેડૂતોના પ્રશ્નને લઈને આ મુલાકાત કરવામાં આવી હતી, પણ જાણકારોનું કહેવું છે કે આગામી સમયમાં રાજ્યના રાજકારણ પર એની અસર જોવા મળશે
ગઈ કાલે દિલ્હીમાં દાડમના ખેડૂતો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા શરદ પવાર.
ગયા અઠવાડિયે દેશના ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર) પાર્ટીના સર્વેસર્વા શરદ પવારને તેમના ૮૫મા જન્મદિવસ નિમિત્તે ફોન કરીને શુભેચ્છા આપ્યા બાદ ગઈ કાલે મરાઠા નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. જોકે તેમણે આ મીટિંગને ખેડૂતોના મુદ્દે લેવામાં આવેલી મુલાકાત ગણાવી હતી.
મહારાષ્ટ્રના સાતારા અને ફલટણના દાડમની ખેતી કરનારા એક-એક ખેડૂતને શરદ પવાર પોતાની સાથે આ મીટિંગમાં લઈ ગયા હતા. તેમણે નરેન્દ્ર મોદી સાથે દાડમના ખેડૂતોને પડી રહેલી તકલીફોની વાત કરી હોવાનું પત્રકારોને કહ્યું હતું. આ મીટિંગમાં કોઈ પણ રાજકીય ચર્ચા કરવામાં આવી ન હોવાનું શરદ પવારનું કહેવું છે. બન્ને ખેડૂતોએ વડા પ્રધાનને દાડમ ભેટમાં આપ્યાં હતાં. આ પહેલાં શરદ પવારે નરેન્દ્ર મોદીને ફેબ્રુઆરીમાં દિલ્હીમાં થનારા ૯૮મા મરાઠી સાહિત્ય સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપતો પત્ર પણ લખ્યો હતો. ગઈ કાલે પણ તેમણે આ બાબતે વડા પ્રધાનને રૂબરૂ વાત કરી હોવાનું કહેવાય છે. દેશના બે ટોચના નેતાની આ મુલાકાતની અસર આગામી સમયમાં મહારાષ્ટ્રના રાજકારણ પર જોવા મળશે એવું જાણકારોનું કહેવું છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીને મળ્યા બાદ શરદ પવાર ખેડૂતો સાથે રાજ્યસભાના ચૅરમૅન જગદીપ ધનખડને પણ મળ્યા હતા.