કર્ણાટકના હુબલીમાં તેઓ રોડ-શો કરી રહ્યા હતા ત્યારે ઓચિંતો એક છોકરો રોડ પર કૂદીને આવી ગયો હતો. તે નરેન્દ્ર મોદીના કાફલાની સાવ નજીક પહોંચી ગયો હતો
કર્ણાટકના હુબલીમાં રોડ-શો દરમ્યાન નરેન્દ્ર મોદીના કાફલાની સાવ નજીક પહોંચી ગયેલો છોકરો.
બૅન્ગલોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગઈ કાલે ગંભીર ચૂક થઈ હતી. કર્ણાટકના હુબલીમાં તેઓ રોડ-શો કરી રહ્યા હતા ત્યારે ઓચિંતો એક છોકરો રોડ પર કૂદીને આવી ગયો હતો. તે નરેન્દ્ર મોદીના કાફલાની સાવ નજીક પહોંચી ગયો હતો. તે પીએમથી માત્ર એક હાથના અંતરે હતો. જોકે તેને વડા પ્રધાનના સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપે છેલ્લી મિનિટે અટકાવ્યો હતો.
એ છોકરાના હાથમાં ફૂલની માળા હતી અને તે પીએમનું સન્માન કરવા માગતો હોય એવું જણાતું હતું.
ADVERTISEMENT
પીએમ એ સમયે એસયુવીના ફુટબોર્ડ પર ઊભા રહીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. અધિકારીઓએ પીએમ મોદીને એ ફૂલોની માળા આપી અને મોદીએ પોતાની કારના બોનેટ પર એને મૂકી હતી. આ છોકરાની અટકાયત કરવામાં આવી છે. જોકે હુબલી પોલીસે આ સુરક્ષા-ચૂક હોવાનો ઇનકાર કર્યો છે, પણ સવાલ એ છે કે કોઈ અજાણી વ્યક્તિ પીએમની સાવ આટલી નજીક પહોંચી જાય તો એ સુરક્ષા-ચૂક નહીં તો શું કહેવાય?
હજી સુધી એ સ્પષ્ટ થતું નથી કે આ છોકરો કેવી રીતે પીએમની આટલી નજીક જઈ શક્યો. ઍરપોર્ટથી જતા રોડ પર સેંકડો લોકો લાઇનમાં ઊભા હતા અને તેઓ બૅરિકેડની પાછળ હતા.
વડા પ્રધાને ઍરપોર્ટથી રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સુધી રોડ-શો યોજ્યો હતો. વડા પ્રધાનની પાંચ સ્તરની સિક્યૉરિટી હોય છે, જેમાં સૌથી બહારના લેયરની જવાબદારી રાજ્ય પોલીસની હોય છે.
ગયા વર્ષે પાંચમી જાન્યુઆરીએ પંજાબની મુલાકાત દરમ્યાન પણ મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકનો મામલો બહાર આવ્યો હતો. એ સમયે તેઓ ફિરોઝપુરમાં એક ચૂંટણી-રૅલી માટે જઈ રહ્યા હતા ત્યારે વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ રસ્તો બ્લૉક કરી દેતાં પીએમના કાફલાને ફ્લાયઓવર પર ૨૦ મિનિટ સુધી અટકાવી દેવામાં આવ્યો હતો.