ટ્રેન સળગાવનારાઓની ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવવાના હાઈ કોર્ટના નિર્ણય સામે કરવામાં આવી અપીલ
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
૨૦૦૨ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેટલાક દોષિતોની જામીનની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જામીન અરજીઓ ઉપરાંત તેમની સજાને પડકારતી અરજીઓની પણ સુનાવણી થશે. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે પત્ની કૅન્સરથી પીડિત હોવાના આધારે દોષિતોમાંના એકના મંજૂર કરાયેલા જામીન લંબાવ્યા હતા. મહેતાએ આ જામીન લંબાવવાને ટેકો આપ્યો હતો. ૨૦ ફેબ્રુઆરીના રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે એ ૧૧ દોષીઓને ફાંસીની સજાની માગ કરીશું જેમને ૨૦૦૨ના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં ગુજરાત હાઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, કારણ કે આ ઘટના બહુ જ ભાગ્યે બને છે જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનના કોચને બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે ૧૧ દોષિતોને મૃત્યુદંડની સજા અને અન્ય ૨૦ લોકોને આજીવન કેદની સજા કરી હતી, પરંતુ હાઈ કોર્ટે ૧૧ દોષીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. સૉલિસિટર જનરલ મહેતાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર ૧૧ દોષીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવા સામે અપીલમાં આવી છે. ઘણા દોષીઓએ આ કેસમાં તેમની સજાને યથાવત્ રાખતાં હાઈ કોર્ટના ચુકાદાઓ સામે પણ અરજી કરી છે.