કૉન્ગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડ, દિલ્હી ઍરપોર્ટ પર તેમને રાયપુર માટેની ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા, આખરે અદાલતે આપી રાહત
નવી દિલ્હીમાં ગઈ કાલે પોલીસે કૉન્ગ્રેસના નેતા પવન ખેડાને અટકાવ્યા હતા (ડાબે). નવી દિલ્હીમાં ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર પવન ખેડાના સપોર્ટમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા કૉન્ગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલા અને પાર્ટીના અન્ય નેતાઓ. તસવીર એ.એન.આઇ.
નવી દિલ્હી : કૉન્ગ્રેસના નેતા પવન ખેડાની ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને એ પહેલાં તેમને છત્તીસગઢની રાજધાની રાયપુર માટેની ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા.
કૉન્ગ્રેસના લગભગ ૫૦ જેટલા નેતાઓએ ઍરપોર્ટ પર જ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને ફ્લાઇટને ત્યાંથી જવા દીધી નહોતી.
ADVERTISEMENT
કૉન્ગ્રેસના સિનિયર પ્રવક્તા પવન ખેડાને ઇન્ડિગોની ફ્લાઇટમાંથી ઊતરવાની ફરજ પાડવામાં આવી હતી. તેઓ કૉન્ગ્રેસના નેતાઓ સાથે ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના અધિવેશન માટે રાયપુર જવાના હતા.
પવન ખેડાની આસામ પોલીસે ધરપકડ કરી હતી. આસામ પોલીસ એફઆઇઆરની કૉપી સાથે ઍરપોર્ટ પર આવી પહોંચી હતી. આસામ પોલીસે જણાવ્યું કે બુધવારે રાતે પવન ખેડાની વિરુદ્ધ સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ દીમા હસાઓ જિલ્લાના હાફલોંગમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઇન્ડિગો ઍરલાઇને જણાવ્યું કે ‘દિલ્હી ઍરપોર્ટ પર રાયપુર જતી ફ્લાઇટમાંથી એક પૅસેન્જરને પોલીસે ઉતાર્યો હતો. અન્ય કેટલાક પૅસેન્જર્સ પણ પોતાની મરજીથી પ્લેનમાંથી ઊતરી ગયા હતા. અમે સંબંધિત ઑથોરિટીઝની ઍડ્વાઇઝનું પાલન કરી રહ્યા છીએ. અત્યારે ફ્લાઇટ ડિલે છે.
પવન ખેડાએ કહ્યું કે ‘એક પોલીસ ઑફિસર મારી પાસે આવ્યો અને કહ્યું કે તમારો સામાન ચેક કરાવવાનો છે. મેં કહ્યું કે મારી પાસે કોઈ સામાન નથી. એમ છતાં હું નીચે ઊતર્યો. એ પછી તેમણે કહ્યું કે તમે પ્લેનમાં જઈ નહીં શકો. ડીસીપી તમને મળશે.’
આ પણ વાંચો: પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ આસામ પોલીસે કરી ધરપકડ
સુપ્રીમ કોર્ટ તરફથી પવન ખેડાને રાહત મળી
સુપ્રીમ કોર્ટે પવન ખેડાને ૨૮ ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે જણાવ્યું હતું કે દિલ્હીમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ ખેડાને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે. આખરે તેમને અદાલતમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે આ આદેશ મંગળવાર સુધી અમલમાં રહેશે. આ કેસનું ૨૭ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી માટે લિસ્ટિંગ કરાયું હતું. સુપ્રીમ કોર્ટે પવન ખેડા વિરુદ્ધની અનેક ફરિયાદોને ક્લબ કરવાની માગણી કરતી તેમની અરજી પર આસામ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોને નોટિસ મોકલીને તેમનો જવાબ માગ્યો છે. વડા પ્રધાન વિરુદ્ધ કમેન્ટ કરવા બદલ આસામ સિવાય લખનઉ અને વારાણસીમાં પણ પવન ખેડાની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાયો છે. ખેડા તરફથી હાજર સિનિયર ઍડ્વોકેટ એ. એમ. સિંઘવીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસના નેતાએ ઑલરેડી એ જ દિવસે પીએમ વિશેની કમેન્ટ બદલ માફી માગી લીધી હતી.
મોદી સરકાર દિલ્હી-રાયપુર ફ્લાઇટમાંથી પવન ખેડાને નીચે ઉતારીને ગુંડાની જેમ કામ કરી રહી છે. તેમની મૂવમેન્ટને નિયંત્રિત કરવા માટે નાટકીય એફઆઇઆરનો ઉપયોગ કરવો અને તેમનો અવાજ બંધ કરવો એ શરમજનક છે અને અસ્વીકાર્ય કૃત્ય છે. સમગ્ર પાર્ટી પવનજી સાથે છે. - કે. સી. વેણુગોપાલ, કૉન્ગ્રેસના નેતા
નરેન્દ્ર મોદીના પિતા વિશે કમેન્ટ કરી હતી
૨૦ ફેબ્રુઆરીએ પવન ખેડાએ દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં હિંડનબર્ગ રિપોર્ટ વિશે કહ્યું કે ‘જ્યારે અટલ બિહારી વાજપેયી સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી શકે તો નરેન્દ્ર ગૌતમદાસ મોદીને શું સમસ્યા છે?’ તેમણે પોતાની કમેન્ટમાં ‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ને બદલે ‘નરેન્દ્ર ગૌતમદાસ મોદી’ કહ્યું હતું.
એ પછી તેમણે તેમની આસપાસના લોકોને પૂછ્યું કે ‘ગૌતમદાસ’ કે ‘દામોદરદાસ?’ ત્યાર બાદ તેમણે કહ્યું કે નામ ભલે દામોદારદાસ છે, પરંતુ તેમનું કામ ગૌતમદાસ જેવું જ છે. જોકે ત્યાર બાદ તેમણે ખુલાસો કર્યો કે વડા પ્રધાનના નામને લઈને તેમને કન્ફ્યુઝન હતું. જોકે બીજેપીએ ભારપૂર્વક કહ્યું કે ખેડાએ ઇરાદાપૂર્વક આ વાત કહી હતી.