આપ-કૉન્ગ્રેસ યુતિના ઉમેદવાર કુલદીપકુમારને મેયર જાહેર કર્યા
ચંડીગઢના મેયર તરીકે ઘોષિત કરાયેલા આમ આદમી પાર્ટી (આપ) – કૉન્ગ્રેસ યુતિના મેયરપદના ઉમેદવાર કુલદીપકુમારને અભિનંદન આપી રહેલા ટેકેદારો.
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ચંડીગઢની મેયરની ચૂંટણીના પરિણામને સુપ્રીમ કોર્ટે મંગળવારે ઊથલાવી નાખ્યું હતું અને મેયર તરીકે ઘોષિત કરાયેલા બીજેપીના ઉમેદવારના સ્થાને આમ આદમી પાર્ટી (આપ) – કૉન્ગ્રેસ યુતિના મેયરપદના ઉમેદવાર કુલદીપકુમારને શહેરના નવા મેયર તરીકે કોર્ટે ઘોષિત કર્યા હતા. ૩૦ જાન્યુઆરીએ યોજાયેલી આ ચૂંટણીમાં ગંભીર ક્ષતિઓ જણાયા બાદ ચૂંટણી અધિકારી અને બીજેપીના નેતા અનિલ માસીહ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.
ADVERTISEMENT
સર્વોચ્ચ અદાલતે જાણાવ્યું હતું કે તેના દ્વારા સમગ્ર ચૂંટણી કાર્યવાહીને રદબાતલ કરવામાં આવતી નથી અને મતગણતરીની પ્રક્રિયામાં ગેરરીતિ સાથે નિપટવા સ્વયં ખુદને મર્યાદિત રાખે છે. મતગણતરીમાં આઠ મતોને ગેરલાયક ઠેરવાતાં કુમારનો વિજય થયો હતો. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આઠ મતપત્રોને ગેરલાયક ઠેરવવાના માસીહના ઇરાદાપૂર્વકના પ્રયાસોનો પુરાવો છે.
ચૂંટણી અધિકારીએ યુતિના સભ્યો પૈકી આઠ મતોને અમાન્ય જાહેર કર્યા બાદ મેયરની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારનો આસાન વિજય થયો હતો અને તેણે આપ-કૉન્ગ્રેસ યુતિના ઉમેદવારને શિકસ્ત આપી હતી. આથી મતપત્રો સાથે ચેડાંના આક્ષેપો કરવામાં આવ્યા હતા. બીજેપીના મનોજ સોનકરે ૧૬ વિરુદ્ધ ૧૨ મતોએ આપના ઉમેદવાર કુલદીપકુમારને શિકસ્ત આપી હતી. જોકે સોનકરે રાજીનામું આપ્યું હતું તો બીજી બાજુએ આપના ત્રણ કાઉન્સીલરો પક્ષપલટો કરી બીજેપીમાં જોડાયા હતા. સુપ્રીમ કોર્ટે મુશ્કેલ સમયમાં લોકશાહીને બચાવી છે એમ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. ચંડીગઢના મેયરની ચૂંટણીના કેસમાં આદેશ બદલ તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.