Sardar Vallabhbhai Patel Death Anniversary 2024: ૭૪મી પુણ્યતિથીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા યાદ
ફાઇલ તસવીર
ભારતીય ઈતિહાસમાં અનેક મહાન હસ્તીઓના નામ નોંધાયેલા છે જેમણે દેશ માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ મહાન વ્યક્તિત્વોમાં સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)નું નામ સામેલ છે જેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા, કાર્યદક્ષ પ્રશાસક અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક હતા. વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ ગુજરાત (Guajrat)ના નડિયાદ (Nadiad)માં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના સહયોગી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Indian National Congress)ના અગ્રણી નેતા હતા. દેશની આઝાદી બાદ સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ દર વર્ષે ૧૫ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ૧૯૫૦માં આ દિવસે મુંબઈ (Mumbai)માં સરદાર પટેલનું અવસાન થયું હતું. તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરંતુ તેમનું યોગદાન અને ભૂમિકા ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે કાયમ માટે નોંધાયેલ છે. તેઓ આજે પણ કરોડો ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથી (Sardar Vallabhbhai Patel Death Anniversary 2024) છે. આજના આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલને ૭૪મી પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ (PM Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel) આપી છે. તેમને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત શત વંદન. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશવાસીઓ માટે વિકસિત ભારતની એકતા, અખંડિતતા અને સંકલ્પને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા બની રહેશે.’
ADVERTISEMENT
देश के लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी पुण्यतिथि पर शत-शत नमन। उनका व्यक्तित्व और कृतित्व राष्ट्र की एकता, अखंडता और विकसित भारत के संकल्प की सिद्धि के लिए देशवासियों की प्रेरणाशक्ति बना रहेगा।
— Narendra Modi (@narendramodi) December 15, 2024
પીએમ મોદીએ કહ્યું કે, પટેલનું વ્યક્તિત્વ અને કાર્ય રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા ભારતની એકતા અને અખંડિતતાને પ્રાધાન્ય આપ્યું હતું. તેમના સન્માનમાં ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" (Statue of Unity) બનાવવામાં આવી છે, જે તેમના મહાન યોગદાનનું પ્રતિક છે.
તમને જણાવી દઈએ કે, સ્વાતંત્ર્ય સંગ્રામની આગને વેગ આપતા સરદાર પટેલે વર્ષ ૧૯૨૮માં ગુજરાતના બારડોલી વિસ્તારમાં ખેડૂતોના નેતૃત્વમાં બ્રિટિશ સરકાર સામે સફળ ચળવળ ચલાવી હતી. આ પછી તેમને "સરદાર"નું બિરુદ આપવામાં આવ્યું અને બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવીને ભારતને એકતામાં બાંધવાનું મહાન કાર્ય કર્યું. આથી તેઓ "ભારતના લોખંડી પુરુષ" તરીકે ઓળખાય છે. તેઓ તેમની દ્રઢતા અને શિસ્ત માટે પ્રખ્યાત હતા. તે નિર્ણય લેવામાં મક્કમ હતા અને કોઈપણ અવરોધથી ડરતા ન હતા. તેમનો સંકલ્પ દેશના એકીકરણમાં મદદરૂપ સાબિત થયો.