મસ્જિદ ગેરકાયદે હશે તો તોડી પાડી પાડવાની સરકારે ખાતરી આપી
ગઈ કાલે શિમલામાં મસ્જિદની દિશામાં આગેકૂચ કરી રહેલા હિન્દુ સંગઠનના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સંજોલી મસ્જિદના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ-પ્રદર્શનો કર્યાં છે અને પોલીસ બૅરિકેડ્સ તોડી નાખ્યાં છે. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવાની કોશિશ કરી હતી, પણ આ વિરોધ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. ગઈ કાલે લાઠીચાર્જમાં પાંચ પોલીસો સહિત ૧૦ જણ ઘાયલ થયા હતા. આજે શિમલાના મૉલ રોડ પર વેપારીઓ બપોરે એક વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવશે.
હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે આ મસ્જિદ ગેરકાયદે છે અને એને તાત્કાલિક તોડી પાડવામાં આવે. બીજી તરફ રાજ્યના પ્રધાન વિક્રમાદિત્યે એક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘દરેકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગડવા દેવામાં આવશે નહીં. આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલુ છે અને જો એ બાંધકામ ગેરકાયદે જણાશે તો એની સામે કાર્યવાહી થશે અને તોડી પાડવામાં આવશે.’