કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી કે સજાતીય કપલ્સની ચિંતાઓ દૂર કરવા કમિટી રચાશે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સજાતીય કપલ્સના મૅરેજને કાયદાકીય માન્યતાના મુદ્દામાં પડ્યા વિના આવા કપલ્સની કેટલીક ચિંતાઓ દૂર કરવા માટે વહીવટીય પગલાં પર ઊંડાણપૂર્વક વિચાર કરવા માટે કૅબિનેટ સચિવના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવશે.
સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સજાતીય કપલનું અસ્તિત્વ બીજે ક્યાંકથી ભારતમાં આયાત કરાયું નથી અને એ સમાજનો એક ભાગ છે. ઍડ્વોકેટ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે સજાતીય કપલ્સે ક્યારેય મૅરેજને કાયદાકીય માન્યતા આપવાની માગણી કરી નહોતી. માનવીય ગરિમાને મૅરેજની સાથે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ સંબંધમાં વહીવટીય પગલા પર વિચાર કરવા માટેનાં સજેશન વિશે હકારાત્મક છે. આ બંધારણીય બેન્ચ સજાતીય લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની માગણી કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.
તેમણે આ બેન્ચને જણાવ્યું હતું કે એના માટે એક કરતાં વધુ મંત્રાલયો વચ્ચે સંકલનની જરૂર પડશે. આ બેન્ચમાં જસ્ટિસ એસ. કે. કૌલ, એસ. આર. ભટ, હિમા કોહલી અને પી. એસ. નરસિંહા પણ સામેલ છે.
આ મામલે સુનાવણીના સાતમા દિવસે મહેતાએ જણાવ્યું હતું કે આ સંબંધમાં કેવા પ્રકારનાં વહીવટીય પગલાં લેવાવાં જોઈએ એ નક્કી કરવા માટે અરજી કરનારાઓ તેમનાં સજેશન્સ આપી શકે છે. ૨૭મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું સજાતીય કપલ્સના મૅરેજને કાયદાકીય માન્યતા આપ્યા વિના તેમને સામાજિક કલ્યાણના લાભો આપી શકાય કે નહીં.