ઑપરેશન પછી સદ્ગુરુએ વિડિયો પોસ્ટ કરીને કહ્યું... ડૉક્ટરોએ મારા મગજમાં સર્જરી કરી છે, પણ કંઈ મળ્યું નથી એટલે તેમણે ફરી ટાંકા લઈ લીધા છે, મગજને કોઈ નુકસાન થયું નથી
આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
ચાર અઠવાડિયાંથી માથાના દુખાવા બાદ ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા ત્યારે ખબર પડી કે મગજમાં સોજો છે અને ઇન્ટરનલ બ્લીડિંગ પણ થઈ રહ્યું છે
ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને ૬૬ વર્ષના જાણીતા આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પર દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં તાત્કાલિક ધોરણે બ્રેન-સર્જરી કરવામાં આવી હતી. માથામાં ભારે દુખાવો થવાની ફરિયાદ બાદ તેમની તપાસમાં જણાયું હતું કે મગજમાં સોજો આવી ગયો છે અને આંતરિક રક્તસ્રાવ પણ થઈ રહ્યો છે એટલે તેમના જીવ સામે જોખમ હોવાથી આ ઑપરેશન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઈશા ફાઉન્ડેશનના કહેવા અનુસાર ગયાં ૪ અઠવાડિયાંથી તેમને માથાનો દુખાવો હતો, પણ તેઓ આરામ કરતા નહોતા અને ઉપરાઉપરી તેમના કાર્યક્રમો ચાલુ હતા. ૮ માર્ચે કોઇમ્બતુરના ઈશા સેન્ટરમાં મહાશિવરાત્રિના કાર્યક્રમમાં તેઓ આખી રાત ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે પેઇનકિલર્સનો ભારે ડોઝ લીધો હતો.
સદ્ગુરુની મેડિકલ પરિસ્થિતિ વિશે જણાવતાં ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલના વરિષ્ઠ ન્યુરોલૉજિસ્ટ ડૉ. વિનીત સૂરીએ કહ્યું હતું કે ૧૫ માર્ચે તેમની પીડા અસહ્ય બની ત્યારે તેઓ હૉસ્પિટલમાં આવ્યા હતા. ૧૭ માર્ચે તેમના પર MRI કરવામાં આવ્યું જેમાં મગજમાં સોજો અને આંતરિક રક્તસ્રાવની જાણકારી મળી હતી. તેમના મગજમાં પહેલાં પણ રક્તસ્રાવ થયો હતો, પણ ફરીથી રક્તસ્રાવ થતાં પરિસ્થિતિ ગંભીર બની હતી અને તેમના જીવ સામે જોખમ હતું એટલે ડૉક્ટરોની એક ટીમે તેમના મગજમાં થઈ રહેલા રક્તસ્રાવને રોકવા કેટલાક કલાકોની અંદર ઇમર્જન્સી બ્રેન-સર્જરી કરી હતી. સર્જરી બાદ તેમનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યું હતું. હવે તેમની તબિયત સારી છે.
સતત પ્રવૃત રહેતા સદ્ગુરુએ ઑપરેશન બાદ એક વિડિયો જાહેર કર્યો છે જેમાં તેમના હસતા રહેતા ચિરપરિચિત અંદાજમાં તેઓ બોલી રહ્યા છે કે દિલ્હીમાં અપોલો હૉસ્પિટલના ડૉક્ટરોએ મારા મગજમાં સર્જરી કરી છે, પણ તેમને કંઈ મળ્યું નથી એટલે તેમણે ફરી ટાંકા લઈ લીધા છે, મગજને કોઈ નુકસાન થયું નથી.
સતત પ્રવૃત્તિશીલ
સદ્ગુરુએ છેલ્લાં ૪૦ વર્ષમાં એક પણ બેઠક કૅન્સલ કરી નહોતી. ૧૭ માર્ચે તેમની ન્યુરોલૉજિકલ પરિસ્થિતિ ખરાબ થઈ હતી, તેમનો ડાબો પગ પણ કમજોર થયો છે. સદ્ગુરુએ સેવ સૉઇલ અને રૅલી ફૉર રિવર્સ જેવા પર્યાવરણને બચાવવાના ઉપક્રમો હાથ ધર્યા છે.

