રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ સીએમ સચિન પાઇલટના ભ્રષ્ટાચારના મુદ્દે ઉપવાસના સ્થળે સોનિયા કે રાહુલ નહીં, પરંતુ રાષ્ટ્રપિતાની વિશાળ ઇમેજ
જયપુરમાં શહીદ સ્મારક ખાતે ગઈ કાલે ભૂખ હડતાળ પર કૉન્ગ્રેસના નેતા સચિન પાઇલટ. તસવીર પી.ટી.આઇ.
રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ કૉન્ગ્રેસની ચેતવણીની ધરાર અવગણના કરીને ગઈ કાલે જયપુરમાં શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસ પર બેઠા હતા. તેમની મુખ્ય માગણી રાજ્યમાં આ પહેલાંની બીજેપીની સરકારના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાવવાની છે.
ડિસેમ્બર ૨૦૧૮માં જ્યારથી રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર બની છે ત્યારથી પાઇલટ અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોટની વચ્ચે ઘર્ષણની સ્થિતિ છે. હવે આ સાથે જ પાઇલટ ગેહલોટની વિરુદ્ધ આક્રમક રીતે મોરચે ઊતર્યા છે. રાજ્યમાં કૉન્ગ્રેસ સત્તા પર આવી હતી ત્યારે પાઇલટ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા.
ADVERTISEMENT
નોંધપાત્ર છે કે કૉન્ગ્રેસના રાજસ્થાનના પ્રભારી સુખજિન્દર સિંહ રંધાવાએ ચેતવણી આપી હતી કે રાજ્ય સરકારની વિરુદ્ધ આવું કોઈ પણ વિરોધ-પ્રદર્શન પાર્ટી વિરોધી ઍક્ટિવિટી ગણાશે. આમ છતાં, પાઇલટ ઉપવાસ પર બેઠા હતા.
આ પણ વાંચો : Noida Barમાં રામાયણના સંવાદો પર દારૂના નશામાં ધૂત લોકોએ કર્યો ડાન્સ, કેસ દાખલ
પાઇલટના ઉપવાસના સ્થળે વિશાળ બૅનર મૂકવામાં આવ્યું હતું કે જેમાં લખાણ હતું કે ‘વસુંધરા સરકારમાં થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધ ઉપવાસ.’ બૅકગ્રાઉન્ડમાં વૈષ્ણવજન તો તેને કહીએ વાગતું હતું. બૅનરમાં ગાંધીજીની તસવીર હતી. જોકે કૉન્ગ્રેસના ગાંધી પરિવારમાંથી સોનિયા કે રાહુલની તસવીર નહોતી.
પાઇલટે રવિવારે એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ ઉપવાસની જાહેરાત કરી હતી. આ પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે રાજસ્થાનમાં વસુંધરા રાજેના નેતૃત્વવાળી આ પહેલાંની બીજેપીની સરકારના કથિત ભ્રષ્ટાચારની વિરુદ્ધ કોઈ પગલાં ન લેવા બદલ અશોક ગેહલોટ સરકારની આકરી ટીકા કરી હતી.
ગેહલોટે વિડિયો જાહેર કર્યો
પાઇલટ ઉપવાસ પર બેઠા હતા ત્યારે ગેહલોટે એક વિડિયો રિલીઝ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મેં નક્કી કર્યું છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં મારે રાજસ્થાનને દેશનું નંબર વન રાજ્ય બનાવવું છે. આ સપનાંને સાકાર કરવા માટે છેલ્લાં ચાર વર્ષના બજેટ અને આ વર્ષના ‘બચત, રાહત અને બઢત’ બજેટમાં એવી યોજનાઓ બનાવી છે કે જે બીજાં કોઈ રાજ્યમાં નથી. બીજાં રાજ્યમાં જનતાને મફતમાં વીમો મળતો નથી.’