સચિન પાઇલટે રાજસ્થાનના મુખ્ય પ્રધાન પર વસુંધરા રાજેની સાથે હાથ મિલાવવાનો આરોપ મૂકીને ટોણો માર્યો
જયપુરમાં ગઈ કાલે પોતાના નિવાસસ્થાને પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા કૉન્ગ્રેસના સિનિયર નેતા સચિન પાઇલટ. તસવીર પી.ટી.આઇ.
રાજસ્થાનના રાજકારણમાં ફરી તોફાન ઊઠ્યું છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ વચ્ચેની લડાઈ હવે વધુ ઉગ્ર બની છે. પાઇલટે ગઈ કાલે જણાવ્યું હતું કે ગેહલોટે બીજેપીનાં લીડર અને રાજસ્થાનનાં ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજેની સાથે હાથ મિલાવી દીધા છે. પાઇલટે જાહેર કર્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ મંગળવારે એક દિવસના ઉપવાસ પર બેસશે. ગેહલોટ સરકાર વસુંધરા રાજેના નેતૃત્વવાળી આ પહેલાંની બીજેપી સરકારના કથિત ભ્રષ્ટાચારની વિરુદ્ધ પગલાં લે એવી તેમણે માગણી કરી હતી.
ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ‘વસુંધરા સરકારનો અમે સતત નીતિઓના આધારે વિરોધ કર્યો હતો. જોકે અમે મુખ્યત્વે વસુંધરા રાજેની સરકારમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને વિરોધ કર્યો હતો. અમે સતત જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવી હતી. અમે ભ્રષ્ટાચારના મામલા જનતા સુધી લઈ ગયા હતા. જનતાએ કૉન્ગ્રેસની વાતને સ્વીકારી હતી. એ પછી ચૂંટણી થઈ તો જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો. અમે જનતાને વચન આપ્યું હતું કે વસુંધરા સરકારમાં ભ્રષ્ટાચારના જે પણ મામલા આવ્યા છે એની અમે અસરકારક અને તટસ્થતાથી તપાસ કરાવીશું અને દોષીઓને સજા આપીશું.’
ADVERTISEMENT
અત્યારની રાજસ્થાન સરકારની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘આજથી સવા વર્ષ પહેલાં મેં સીએમ અશોક ગેહલોટને એક લેટર લખ્યો હતો. એમાં મેં તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર બન્યાને સાડાત્રણ વર્ષ થયાં છે ત્યારે અમે જે વચનો આપ્યાં હતાં એને સાકાર કરવાનો સમય આવી ગયો છે. અમે જમીન માફિયા, લિકર માફિયા, માઇનિંગ માફિયાના આરોપો મૂક્યા હતા. માઇનિંગનો મોટો ગોટાળો થયો હતો. પહેલો લેટર ૨૮ માર્ચ, ૨૦૨૨ના રોજ લખ્યો હતો. એ પછી મેં વધુ એક લેટર લખ્યો હતો, જેનો પણ જવાબ ન મળ્યો. હવે જ્યારે ચૂંટણીને લગભગ છથી સાત મહિનાનો સમય બાકી છે ત્યારે કોઈ ઍક્શન લેવાવી જોઈએ.’
વિપક્ષો દ્વારા સીબીઆઇ અને ઈડીના મિસયુઝનો આરોપ મૂકવામાં આવતો રહ્યો છે ત્યારે એના સંબંધમાં પાઇલટે કહ્યું હતું કે ‘ભારત સરકાર સીબીઆઇ, ઈડી અને ઇન્કમ ટૅક્સ સહિત તમામ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. આ વાત સમગ્ર વિપક્ષ બોલે છે. એક બાજુ કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરીને કૉન્ગ્રેસની લીડરશિપને ટાર્ગેટ કરી રહી છે અને બનાવટી કેસ ચલાવાય છે. બીજી તરફ રાજસ્થાન સરકાર પોતાની એજન્સીઓનો કોઈ ઉપયોગ કરતી નથી.’