વાડ્રાએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાંથી બહાર આવ્યા પછી હું રાજકારણમાં સામેલ થવાનો નિર્ણય લઈશ.
રૉબર્ટ વાડ્રા, સ્મૃતિ ઈરાની
કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી-વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાએ ગુરુવારે ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે અમેઠીના લોકો તેમના પ્રતિનિધિ તરીકે મને જોવા માગે છે. અમેઠીના હાલના સંસદસભ્ય અને BJPનાં નેતા સ્મૃતિ ઈરાનીની ટીકા કરતાં વાડ્રાએ કહ્યું હતું કે ‘અમેઠી સીટ પરથી છેલ્લે જેઓ ચૂંટાયાં હતાં (સ્મૃતિ ઈરાની) તેમને અમેઠીના વિકાસ કરતાં ગાંધી-પરિવાર પર શાબ્દિક હુમલા કરવામાં વધારે રસ હતો. અમેઠીના લોકોને લાગે છે કે સ્મૃતિ ઈરાનીને ચૂંટીને તેમણે ભૂલ કરી હતી અને હવે તેઓ ગાંધી-પરિવારને પાછાં ઇચ્છી રહ્યા છે.’ અગાઉ ૨૦૨૨ના એપ્રિલમાં પણ વાડ્રાએ રાજકારણમાં જોડાવાનો સંકેત આપ્યો હતો ત્યારે પણ તેમણે કહ્યું હતું કે જો લોકો ઇચ્છતા હશે તો હું આગળ આવવા તૈયાર છું. એ વખતે વાડ્રાએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાંથી બહાર આવ્યા પછી હું રાજકારણમાં સામેલ થવાનો નિર્ણય લઈશ.

