આ કેસમાં આરોપીઓ પાસેથી ૧૩,૫૦,૦૦૦ રૂપિયાની માલમતા જપ્ત કરી છે.
નૉર્થ સાઇબર પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓ.
તમે તાઇવાનમાં મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ ઉપરાંત ક્રેડિટ કાર્ડ મળી આવ્યાં છે જેના માટે તમને આઠથી નવ વર્ષની જેલ થઈ શકે છે એમ કહીને કાંદિવલીના રિટાયર્ડ બૅન્ક-અધિકારી સાથે ૬૫,૧૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરતાં બૅન્ક-અકાઉન્ટમાં પૈસા સ્વીકારનારા ત્રણ આરોપીની નૉર્થ સાઇબર પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. નૉર્થ સાઇબર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર સુવર્ણા શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂન મહિનાની શરૂઆતમાં ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ સાઇબર ક્રાઇમ વિભાગના અધિકારી તરીકે આપીને ફરિયાદીને ધમકાવ્યા હતા અને ચારથી પાંચ દિવસમાં તેમની પાસેથી ૬૫,૧૦,૦૦૦ રૂપિયા સાઇબર છેતરપિંડી કરીને પડાવી લીધા હતા. એની ફરિયાદ અમારી પાસે નોંધાઈ હતી. આ કેસમાં અમે સોમવારે બોરીવલીથી શુભમ પાડાવે, ફયાન શેખ અને અદનાન મિર્ઝાની ધરપકડ કરી છે જેમણે સાઇબર છેતરપિંડીના પૈસા પોતાના બૅન્ક-ખાતામાં સ્વીકાર્યા હતા. આ કેસમાં માસ્ટરમાઇન્ડની અમે તપાસ ચલાવી રહ્યા છીએ. આ કેસમાં આરોપીઓ પાસેથી ૧૩,૫૦,૦૦૦ રૂપિયાની માલમતા જપ્ત કરી છે.’

