સત્તાવિરોધી લહરને ટાળવા વર્તમાન વિધાનસભ્યોની ટિકિટ કાપતાં બળવાખોરોએ વાટ લગાવી અને લિંગાયત નેતાઓની અવગણના કરતાં એનો લાભ કૉન્ગ્રેસને મળ્યો
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
કર્ણાટકમાં સત્તા જાળવી રાખવામાં બીજેપી નિષ્ફળ રહી છે. એક તરફ સત્તાવિરોધી લહર હતી અને તો બીજી તરફ મજબૂત વિપક્ષ હતો જેને ચૂંટણીના મેદાનમાં પછાડવા માટે બીજેપીએ બે મહત્ત્વની રણનીતિ અપનાવી હતી જેમાં રાજ્યમાં મજબૂત ગણાતા લિંગાયત નેતાઓ પરના અવલંબનને ઘટાડવાનો પ્રયત્ન કર્યો હતો. બીજું, લોકપ્રિય ન હોય એવા વિધાનસભ્યોને ટિકિટ ન આપવી. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સત્તાવિરોધી લહરનો સામનો કરવા ઘણા વર્તમાન વિધાનસભ્યોની ટિકિટ કાપવામાં આવી હતી. બીજેપીનું હિંદુત્વ કાર્ડ ઘણી વાર જાતિની ગણતરીઓ અને વિધાનસભ્યના વ્યક્તિગત પ્રભાવને પછાડવામાં સફળ રહેતું હતું. ચૂંટણીનું પરિણામ બતાવે છે કે લિંગાયતોને પોતાની તરફ આકર્ષવાનો લાભ કૉન્ગ્રેસને મળ્યો તેમ જ વર્તમાન વિધાનસભ્યોને ટિકિટ ન આપતાં બળવાખોર નેતાઓએ બીજેપીને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આમ બીજેપી બન્ને રણનીતિમાં નિષ્ફળ રહી હતી.