ભારતમાં કેટલા દલિત છે એની માહિતી મેળવીને દલિતોના કલ્યાણ માટે અને તેમના સુધી સરકારની યોજના પહોંચે એ માટે જાતિ જનગણના થવી જોઈએ
RSSના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ આંબેકરે ગઈ કાલે કેરલામાં બેઠકસંબંધી માહિતી આપી હતી.
છેલ્લા કેટલાક દિવસથી જાતિઆધારિત જનગણનાનો મુદ્દો ચર્ચામાં છે. લોકસભામાં વિરોધી પક્ષ-નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વિરોધી પક્ષોના નેતાઓ સતત આવી જનગણના કરવાની માગણી કરી રહ્યા છે. સત્તાધારી પક્ષના સંગઠન નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સમાં સામેલ જનતા દળ યુનાઇટેડ અને લોક જનશક્તિ પક્ષ જાતિઆધારિત જનગણનાની માગણીને સમર્થન આપી રહ્યાં છે. એવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આ વિશે ગઈ કાલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી. RSSની કેરલામાં બેઠક થઈ હતી, જેમાં વિવિધ વિષયોની સાથે જાતિઆધારિત જનગણના, મહિલાઓની સુરક્ષા અને બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને મુદ્દે સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હતી. આ વિશે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં RSSના રાષ્ટ્રીય પ્રવક્તા સુનીલ આંબેકરે કહ્યું હતું કે ‘સમાજની એકતા અને અખંડતા કાયમ રાખવા સામે જાતિઆધારિત જનગણના જોખમ ઊભું કરી શકે છે. ભારતમાં કેટલા દલિત છે એની માહિતી મેળવીને દલિતોના કલ્યાણ માટે અને તેમના સુધી સરકારની યોજના પહોંચે એ માટે જાતિ જનગણના થવી જોઈએ. જોકે આવી જનગણનાનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. ભૂતકાળમાં પણ સરકારો દ્વારા આવા પ્રયાસ થયા છે એટલે અત્યારની સરકાર પણ માત્ર દલિતોની જનગણના કરે એ જરૂરી છે.’