ભગવાન રામની ૧૫૧ ફુટ ઊંચી પ્રતિમા બનશે
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશ સરકારે ભગવાન શ્રીરામની તપોભૂમિ ચિત્રકૂટમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ રામાયણ એક્સ્પીરિયન્સ પાર્ક તૈયાર કરવામાં આવશે. આ પાર્કની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. આ પાર્ક ૮૦ એકર જમીનમાં તૈયાર થશે. આ ભવ્ય પાર્કનો ઉદ્દેશ રામાયણકાળને આધુનિક ટેક્નૉલૉજીની મદદથી જીવંત કરવાનો છે.
આ રામાયણ પાર્કમાં પ્રમુખ આકર્ષણ ભગવાન રામની ૧૫૧ ફુટ ઊંચી પ્રતિમા રહેશે. એની ચારે તરફ પાર્ક વિકસાવવામાં આવશે. માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણની પણ વિશાળ પ્રતિમાઓ આ પાર્કમાં લગાવવામાં આવશે. આ પાર્કમાં રામાયણકાળની મુખ્ય ઘટનાઓ જેવી કે સીતાહરણ, રાવણ-જટાયુ યુદ્ધ, લંકાદહન અને રામ-રાવણ યુદ્ધને 3D અને 5D ઍનિમેશન, લેઝર શો અને લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દ્વારા રજૂ કરવામાં આવશે.