આજે ૨૫ લાખ લોકો અયોધ્યામાં દર્શન માટે આવે એવી સંભાવના : ડીડી નૅશનલ પર લાઇવ ટેલિકાસ્ટ
ગઈ કાલે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી નિમિત્તે રામલલાને કરવામાં આવેલો ભવ્ય શણગાર.
આજે રામનવમી છે અને ત્રેતા યુગમાં આ જ દિવસે ચૈત્ર સુદ નવમીએ બપોરે ૧૨ વાગ્યે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને આશરે ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ જ્યારે આજે અયોધ્યામાં ભવ્ય દિવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન છે ત્યારે જન્મના એ જ સમયે રામલલાના લલાટ પર સૂર્યતિલક થવાનું છે. આ દિવ્ય કાર્યક્રમ પાર પાડવા માટે કરોડો રામભક્તોની આસ્થાને સાથ મળ્યો છે આધુનિક સાયન્સ અને ટેક્નૉલૉજીનો. બપોરે ૧૨ વાગ્યાના ટકોરે રામલલાના મસ્તક પર ૪ મિનિટ માટે સૂર્યતિલક કરવાની ટ્રાયલ-રનને સફળતા મળી ચૂકી છે.
આ વર્ષે બાવીસમી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પાર પાડવામાં આવી હતી અને એ દિવસથી રોજ હજારો ભક્તો એની મુલાકાત માટે આવી રહ્યા છે અને આ આંકડો અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધારે થઈ ગયો છે. મંદિરના ઉદ્ઘાટન બાદ આ પહેલી રામનવમી છે એટલે રામભક્તોમાં અનોખો ઉત્સાહ છે અને આજે આશરે ૨૫ લાખ લોકો દર્શન માટે આવે એવી સંભાવના છે.
વિજ્ઞાનનો ચમત્કાર
આજે રામલલાના સૂર્યાભિષેક માટે આધુનિક વિજ્ઞાનનો આશરો લેવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની મૂર્તિ પર મધ્યાહને ૧૨ વાગ્યે જ્યારે આકાશમાં સૂર્યદેવની સ્થિતિ માથા પર હોય એવા સમયે રામલલાના મસ્તક પર સૂર્યનાં કિરણોનું તિલક કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
IITના એન્જિનિયરોનો સાથ
સૂર્યતિલક માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) રુડકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ ઑપ્ટો મેકૅનિકલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. ત્રણ માળના રામમંદિરમાં સૌથી ઉપરના ત્રીજા માળે એક દર્પણ ફિટ કરવામાં આવ્યું છે. બપોરે ૧૨ વાગ્યે જ્યારે સૂર્યનાં કિરણો આ દર્પણ પર પડશે ત્યારે એ ૯૦ ડિગ્રી પરાવર્તિત થઈને એક પિત્તળની પાઇપમાં જશે. આ પાઇપમાં એક પછી એક એમ કુલ ત્રણ લેન્સ ફિટ કરવામાં આવ્યા છે અને એમાંથી જ્યારે સૂર્યનાં કિરણો પસાર થશે ત્યારે એમની તીવ્રતા વધી જશે. આ સૂર્યકિરણો પાઇપમાંથી બહાર નીકળીને ૯૦ ડિગ્રીથી પરિવર્તિત થઈ એક દર્પણ પર પડશે અને એ દર્પણ પરથી સૂર્યકિરણો ફરી પરાવર્તિત થઈને રામલલાના મસ્તક પર પડશે.
સફળ પરીક્ષણ
બે-ત્રણ દિવસ પહેલાં રામલલાના મસ્તક પર સૂર્યતિલક માટેનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડ્યું હતું અને આ પ્રસંગે અનેક વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. આ અનોખા દૃશ્યને જોઈને રામભક્તો ભાવવિભોર થયા હતા. રામનવમીએ રામજન્મોત્સવ વખતે પણ આવું જ દૃશ્ય જોવા મળશે.
ટીવી પર જીવંત પ્રસારણ
રામલલાના મસ્તક પર સૂર્યતિલકને ૪ મિનિટ સુધી જોઈ શકાશે અને આ અનોખી ઘટનાના દેશના કરોડો રામભક્તો સાક્ષી બને એ માટે પ્રસાર ભારતી દ્વારા ટીવી પર એનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ અયોધ્યામાં ઉપસ્થિત રહેનારા લાખો ભક્તો માટે આશરે ૧૦૦ સ્થળો પર LED સ્ક્રીન લગાવી છે.