ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરામાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી
રામ મંદિર તસવીર સૌજન્ય મિડ-ડે
નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ કાર્ય વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરી, ૨૦૨૪ના દિવસે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે. તેમણે ગઈ કાલે ત્રિપુરામાં પત્રકારો સાથેની વાતચીતમાં આમ જણાવ્યું હતું.
િત્રપુરામાં એક કાર્યક્રમને સંબોધતાં અમિત શાહે કૉન્ગ્રેસ અને એના નેતા રાહુલ ગાંધી પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગૃહપ્રધાને કહ્યું હતું કે ‘એક વાત કહેવા આવ્યો છું. ૨૦૧૯ની ચૂંટણીમાં હું બીજેપી પાર્ટીનો અધ્યક્ષ હતો. રાહુલ બાબા કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા. રાહુલ બાબા કહેતા હતા કે ‘મંદિર વહી બનાએંગે, લેકિન તારીખ નહીં બતાએંગે.’ રાહુલ ગાંધી, આજે કાન ખોલીને સાંભળી લો. પહેલી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર જોવા મળશે.’
ADVERTISEMENT
અમિત શાહે વધુ કહ્યું હતું કે ‘અયોધ્યામાં રામ મંદિરને તોડીને બાબર જતો રહ્યો હતો. આઝાદી પછીથી કૉન્ગ્રેસે કોર્ટમાં આ મામલાને અટવાવ્યો હતો. કેન્દ્રમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. અદાલતના નિર્ણય બાદ મોદીજીએ શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.’
અમિત શાહનું સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે જ્યારે શ્રીરામ મંદિરના મુખ્ય પૂજારીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. શ્રીરામ મંદિરના પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે યાત્રાની સફળતા માટે રાહુલને ભગવાન શ્રીરામના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરી હતી.
નોંધપાત્ર છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં અત્યારે ખૂબ જ જોરશોરથી ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.