ગઈ કાલે વહેલી સવારે ૮ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર અયોધ્યામાં જ કરવામાં આવશે.
ગઈ કાલે સત્યેન્દ્ર દાસનો પાર્થિવ દેહ તેમના અયોધ્યાના ઘરે.
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે. તેમના નિધનથી અયોધ્યાનાં મઠ-મંદિરોમાં શોકની લહેર દોડી ગઈ છે. તેમને બ્રેઇન હૅમરેજ બાદ લખનઉની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રીજી ફેબ્રુઆરીથી તેઓ હૉસ્પિટલમાં જ હતા. ગઈ કાલે વહેલી સવારે ૮ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર અયોધ્યામાં જ કરવામાં આવશે.
આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર ૧૩ ફેબ્રુઆરીએ સરયૂ નદીના કિનારે કરવામાં આવશે. ૨૦૧૯માં કમિશનરના નિર્દેશ બાદ તેમનો પગાર ૧૩,૦૦૦ કરી દેવાયો હતો. સત્યેન્દ્ર દાસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે ૧૯૭૫માં સંસ્કૃત વિદ્યાલયથી આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ ૧૯૭૬માં તેમને અયોધ્યામાં સંસ્કૃત મહાવિદ્યાલયમાં વ્યાકરણ વિભાગના સહાયક અધ્યાપકની નોકરી મળી હતી.
ADVERTISEMENT
સત્યેન્દ્ર દાસે રામ મંદિરની સેવામાં આશરે ૩૩ વર્ષ વિતાવ્યાં છે. ફેબ્રુઆરી ૧૯૯૨માં જ્યારે વિવાદિત જમીનના કારણે રામ જન્મભૂમિની જવાબદારી જિલ્લા તંત્ર પાસે જતી રહી હતી તો ત્યાં જૂના પૂજારી મહંત લાલદાસને હટાવવાની ચર્ચાઓ થવા લાગી હતી. બીજી તરફ ૧૯૯૨ની ૧ માર્ચે સંસદસભ્ય વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને ત્યારના ચીફ અશોક સિંઘલની સંમતિથી સત્યેન્દ્ર દાસની નિયુક્તિ થઈ હતી.
નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહંત સત્યેન્દ્ર દાસના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના દેહાવસાનથી અત્યંત દુઃખ થયું છે. ધાર્મિક અનુષ્ઠાનો અને શાસ્ત્રોના જ્ઞાતા હતા. તેમનું સમગ્ર જીવન ભગવાન શ્રીરામની સેવામાં સમર્પિત રહ્યું. દેશના આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં તેમના અમૂલ્ય યોગદાનને હંમેશાં શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવશે. ઈશ્વરને પ્રાર્થના છે કે શોકની આ ઘડીમાં તેમના પરિવારજનો અને અનુયાયીઓને શોક સહેવાની શક્તિ આપે.’

