બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો, વિપક્ષોએ અદાણી મામલે સંયુક્ત સંસદીય સમિતિની માગને દોહરાવી
સંસદમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, બજેટ સત્રના પહેલા દિવસે લોકસભામાં થયેલા હંગામાનો ટીવી ગ્રૅબ.
નવી દિલ્હી : કૉન્ગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા વક્તવ્યને લઈને સંસદનાં બન્ને ગૃહોમાં ગઈ કાલે ભારે હંગામો થયો હતો. સરકાર અને વિપક્ષો વચ્ચે લોકસભા અને રાજ્યસભામાં ચકમક વચ્ચે બન્ને ગૃહોમાં કોઈ પણ જાતની કામગીરી થઈ શકી નહોતી. રાહુલ ગાંધીએ ભારતમાં લોકશાહી પર ખતરો મંડાઈ રહ્યો હોવાની કરેલી ટિપ્પણીને લઈને તેઓ સંસદમાં આવીને માફી માગે એવી માગણી બીજેપીના સાંસદોએ કરી હતી. બીજી તરફ કૉન્ગ્રેસના સાંસદો અદાણી મામલે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાની માગણી કરી રહ્યા હતા. લોકસભામાં રાજેન્દ્ર અગ્રવાલે વિરોધ કરી રહેલા સભ્યોને તેમની બેઠક પર પાછા જવા માટે વિનંતી કરી હતી તેમ જ તમામ મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે એવી ખાતરી પણ આપી હતી. દરમ્યાન ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષી સભ્યો વચ્ચે વિરોધ ચાલુ જ રહેતાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં પણ આ જ પરિસ્થિતિ હતી. ભારે શોરબકોરને કારણે અધ્યક્ષ જગદીપ ધનખરે કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી.
લોસભામાં ડિફેન્સ મિનિસ્ટર અને લોકસભાના ડેપ્યુટી લીડર રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘લોકસભાના સભ્ય રાહુલ ગાંધીએ લંડનમાં ભારત તેમ જ અહીંની લોકશાહી પદ્ધતિને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ત્યાં સુધી કહ્યું કે વિદેશી શક્તિઓએ મળીને ભારતની લોકશાહીને બચાવવી જોઈએ. તેમણે ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રાહુલના નિવેદન પર સંસદમાં હોબાળો, દેશદ્રોહનો ચાલે કેસ- પીયૂષ ગોયેલ
રાહુલ ગાંધીએ તાજેતરમાં લંડનમાં આપેલા વક્તવ્યમાં કહ્યું હતું કે ‘ભારતીય લોકશાહી પર હાલ મોટું સંકટ છે. દેશની વિવિધ સંસ્થાઓ પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે.’ તેમણે સ્પીકર ઓમ બિરલાને વિનંતી કરતાં કહ્યું હતું કે ‘રાહુલના નિવેદનને સંસદે વખોડી કાઢવું જોઈએ તેમ જ તેમની આ ટિપ્પણી બદલ તેમણે માફી માગવી જોઈએ.’
ભારે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. ફરી પાછી મળી ત્યારે પણ શોરબકોર યથાવત્ રહ્યો હતો. કૉન્ગ્રેસના સભ્યોએ અદાણી-હિંડનબર્ગ મામલે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાની માગણી કરી હતી.
સરકાર સંસદને ચલાવવા નથી માગતી : જયરામ રમેશ
કૉન્ગ્રેસના જનરલ સેક્રટેરી જયરામ રમેશે ટ્વીટ કરતાં કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ચાલી ન શકી, કારણ કે સરકાર જ નથી ઇચ્છતી કે આ કાર્યવાહી ચાલુ રહે. વડા પ્રધાનની સંડોવણીવાળા અદાણીના કૌભાંડમાંથી ધ્યાન અન્યત્ર જાય એ માટે એક બિનજરૂરી વિવાદ ઊભો કરી રહી છે. દરમ્યાન યુનિયન મિનિસ્ટર ગિરિરાજ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી સંસદમાં તો ઘણું બોલ્યા, પણ લંડન જઈને કહ્યું કે તેમને બોલવા ન દેવાયા. તેમના માઇકની સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી.