સંરક્ષણપ્રધાન પહેલાં ગૃહપ્રધાન અમિત શાહે બે દિવસ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો
ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના રામબનમાં BJPના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર માટે પ્રચાર કરવા ગયેલા રાજનાથ સિંહ.
કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના રહેવાસીઓને કહ્યું હતું કે તમે આવો અને ભારતમાં જોડાઈ જાઓ, કારણ કે અમે તમને અમારા પોતાના માનીએ છીએ, જ્યારે પાકિસ્તાન તમને વિદેશી ગણે છે.
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં તેઓ BJPના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુરની એક ચૂંટણીપ્રચાર સભાને સંબોધતા હતા. એ સમયે રાજનાથ સિંહે નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસના ગઠબંધનના ચૂંટણીવચન આર્ટિકલ ૩૭૦ની વાપસીના મુદ્દે કહ્યું હતું કે ‘જ્યાં સુધી BJP છે ત્યાં સુધી આ અશક્ય છે. આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં જોરદાર ફેરફાર થયો છે અને યુવાનો પિસ્ટલ અને રિવૉલ્વરની જગ્યાએ લૅપટૉપ અને કમ્પ્યુટર લેતા થઈ ગયા છે.’
ADVERTISEMENT
ચૂંટણી બાદ BJPની સરકાર બન્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં થનારા વિકાસની વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે આ પ્રદેશમાં એટલો વિકાસ થશે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના લોકો પણ પાકિસ્તાન સાથે રહેવાને બદલે ભારત સાથે રહેવા માગશે.
આ મુદ્દે બોલતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘પાકિસ્તાનમાં ઍડિશનલ સૉલિસિટર જનરલે તાજેતરમાં એક ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર વિદેશી લૅન્ડ છે. હું પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં રહેતા લોકોને કહેવા માગું છું કે પાકિસ્તાન તમને વિદેશી ગણે છે, પણ ભારતમાં રહેતા લોકો આવું વિચારતા નથી. અમે તમને અમારા માનીએ છીએ અને તમે અહીં આવીને રહી શકો છો.’
સંરક્ષણપ્રધાન પહેલાં ગૃહપ્રધાન અમિત શાહે બે દિવસ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો અને એમાં પાર્ટીનો મૅનિફેસ્ટો રિલીઝ કર્યો હતો.