બળજબરીથી ધર્માંતરણ કરાવવા માટે ૧૦ વર્ષના કારાવાસની સજા, ગુનો બિનજામીનપાત્ર બનશે
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માની કૅબિનેટે રાજ્યમાં બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે ધર્માંતરણવિરોધી બિલને મંજૂરી આપી દીધી છે અને હવે એ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યોમાં આવાં બિલ લાવવામાં આવી રહ્યાં છે. અન્ય રાજ્યોના બિલને સ્ટડી કર્યા બાદ આ બિલ ઘડી કાઢવામાં આવ્યું છે.
આ મુદ્દે સંસદીય બાબતોના પ્રધાન જોગારામ પટેલે કહ્યું હતું કે ‘ધ પ્રોહિબિશન ઑફ અનલૉફુલ કન્વર્ઝન ઑફ રિલિજન બિલ ૨૦૨૪ વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે અને એમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા માટે ૧૦ વર્ષના કારાવાસની સજાની જોગવાઈ છે. આવા ગુનામાં જામીન પણ નહીં મળે. આ બિલમાં એ ફરજિયાત બનાવ્યું છે કે જે લોકોએ ધર્મપરિવર્તન કરવું હોય તેમણે ૬૦ દિવસ પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવાની રહેશે. આ ધર્મપરિવર્તન બળજબરીથી કરવામાં આવી રહ્યું છે કે તેની પોતાની મરજીથી એ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ નક્કી કરશે. જો તેમને લાગશે કે કોઈ લાભ કે ફાયદા માટે આમ કરવામાં આવી રહ્યું નથી તો જ તેઓ આને પરવાનગી આપશે. કાયદાનો ભંગ કરવાના મુદ્દે એક વર્ષથી ૧૦ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એક વાર આ બિલ કાયદો બની જાય એ પછી કોઈ પણ વ્યક્તિ કે ગ્રુપનું ધાકધમકી, છેતરપિંડી કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી શકાશે નહીં. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર અને દખલપાત્ર રહેશે અને આવું કરનારી વ્યક્તિ કે સંસ્થાને સખત સજા કરવામાં આવશે.’
ADVERTISEMENT
આ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન પ્રેમ ચંદ ભૈરવાએ કહ્યું હતું કે લોકોને લાલચ આપીને તેઓ જાણતા નથી એવા ધર્મમાં તેમનું પરિવર્તન કરી દેવામાં આવે છે.
મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે જો કોઈ વ્યક્તિ માત્ર ધર્મપરિવર્તન કરાવવાના ઇરાદાથી લગ્ન કરે તો ફૅમિલી કોર્ટને આવાં લગ્નોને ફોક કરવાનો અધિકાર રહેશે.
BJPશાસિત રાજ્યો જેવાં કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવા કાયદા બની ગયા છે. ૨૦૨૨માં હિમાચલ પ્રદેશમાં BJPની સરકાર હતી ત્યારે આ કાયદાને વધારે સખત બનાવ્યો હતો.