રાજ ઠાકરેએ વડા પ્રધાનને સમર્થન આપવા વિશે કહ્યું...
નરેન્દ્ર મોદી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો સાથેની બેઠક બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અયોધ્યાની બાબરી મસ્જિદના વિવાદનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ પણ નરેન્દ્ર મોદી ન હોત તો રામમંદિર ન બન્યું હોત. રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની જાહેરાત કર્યા બાદ MNSના પદાધિકારીઓ અને કાર્યકરો રાજીનામાં આપી રહ્યા છે ત્યારે પોતે શા માટે સમર્થનનો નિર્ણય લીધો છે એ સમજાવવા માટે ગઈ કાલે બાંદરામાં પક્ષના રાજ્યભરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ રામમંદિર સહિત વર્ષોથી લટકેલા સળગતા પ્રશ્નો ઉકેલ્યા છે. હજી પણ દેશ અને રાજ્યમાં ઘણા મામલા પેન્ડિંગ છે. નરેન્દ્ર મોદીમાં ક્ષમતા છે એટલે વધુ એક વખત તેમને તક આપવી જોઈએ એવું મને લાગ્યું એટલે તેમને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો આપવા ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજે બાંધેલા કિલ્લાઓનું સંવર્ધન કરવાની જરૂર છે. એની કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે. રાજ્યની સત્તાધારી મહાયુતિના ઉમેદવારો સંસદમાં જશે તો તેમના થકી આપણાં કામ થઈ શકશે એટલે તેમના માટે પ્રચાર કરવા સંબંધે એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. પક્ષના પદાધિકારીઓને મારી વાત સમજાવી છે. આમ છતાં કોઈને એ ગળે ન ઊતરતી હોય તો તેમને જે યોગ્ય લાગે એ નિર્ણય લઈ શકે છે.’