પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમ જ શશી થરૂરે રાહુલ ગાંધી માફી નહીં માગે એ સ્પષ્ટ કર્યું છે
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં નિવેદન પર હજી પણ ધમાલ ચાલી રહી છે. બીજેપી સહિત એનડીએની સમર્થક પાર્ટીઓએ વિરોધ પક્ષ વિરુદ્ધ મોરચો ખોલતાં સતત બીજાં અઠવાડિયે સંસદમાં આ બાબતે ધાંધલ ચાલુ છે. બીજેપીએ આ બાબતે રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરતાં કહ્યું છે કે લંડનમાં કહેલી વાત પર રાહુલ ગાંધીએ કોઈ પણ જાતની શરત વિના માફી માગવી જોઈએ. કેન્દ્રના ચાર પ્રધાનોએ પણ આ બાબતે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે વાત કરી લોકસભામાં બોલવાની પરવાનગી માગી હતી.
જોકે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિયમો આગળ ધરીને રાહુલ ગાંધીની માગણી નકારી કાઢી હતી. સૂત્રોએ જણાવ્યાનુસાર સ્પીકરે જણાવ્યું હતું કે સંસદમાં નિર્દિષ્ટ નિયમોનું પાલન કરીને જ કોઈ પણ સંસદસભ્યને બોલવાની છૂટ મળતી હોય છે. વિદેશની ધરતી પર રાહુલ ગાંધીએ કરેલા બયાન પર સરકાર તેમ જ બીજેપી ઘણી ગંભીર છે. બીજેપીના સંસદસભ્યોએ સ્પીકર ઓમ બિરલાને મળીને આ મામલે વિશેષ કમિટીનું ગઠન કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
બીજી તરફ કૉન્ગ્રેસે નક્કી કર્યું છે કે આ બાબતે રાહુલ ગાંધી માફી નહીં માગે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમ જ શશી થરૂરે રાહુલ ગાંધી માફી નહીં માગે એ સ્પષ્ટ કર્યું છે. શશી થરૂરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ઘણી વાર વિદેશી ધરતી પર ભારતનું અપમાન કર્યું છે, તો તેમણે પણ માફી માગવી જોઈએ.