ગઈ કાલ સુધીમાં ૨૮૯ લોકોના જીવ ગયા હતા અને હજી ૨૦૦થી વધારે લોકો ગુમ છે
૧૦૦ ફુટનો આ બ્રિજ આર્મીએ બનાવ્યો ગણતરીના કલાકોમાં. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ગઈ કાલે વાયનાડના અસરગ્રસ્ત વિસ્તારમાં જે બ્રિજ પરથી ચાલી રહ્યાં છે એ ઇન્ડિયન આર્મીએ ગણતરીના કલાકોમાં ઊભો કર્યો છે.
ગઈ કાલે કેરલાના વાયનાડ પહોંચેલા કૉન્ગ્રેસના નેતા અને ત્યાંના ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ ગાંધીએ રાહત શિબિરમાં લોકોને મળીને કહ્યું હતું કે ‘પિતાજીના મૃત્યુ વખતે મારી જે લાગણી હતી એવું જ હું આજે મહેસૂસ કરી રહ્યો છું. અહીં તો લોકોએ ફક્ત પિતા નહીં, આખો પરિવાર ગુમાવ્યો છે.’ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં બનાવવામાં આવેલી રાહત શિબિરોની મુલાકાત લીધા બાદ આ ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા કહ્યું હતું. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે જોઈએ સરકાર આ બાબતે શું કહે છે. વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને લીધે ગઈ કાલ સુધીમાં ૨૮૯ લોકોના જીવ ગયા હતા અને હજી ૨૦૦થી વધારે લોકો ગુમ છે. અત્યાર સુધી ૧૫૦૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે.