તેમણે જણાવ્યું કે સરકાર મને સંસદભવનમાં બોલવા દેશે નહીં
નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદભવનમાં અદાણી-હિંડનબર્ગ રિસર્ચના મુદ્દે વિરોધ વ્યક્ત કરવા માટે માનવસાંકળ રચનારા વિપક્ષોના સંસદસભ્યો. તસવીર પી.ટી.આઇ. અને (જમણે) રાહુલ ગાંધી
નવી દિલ્હી : કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમની યુકેની ટૂર દરમ્યાન તેમનાં સ્ટેટમેન્ટ્સના કારણે બીજેપી નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રધાનોના નિશાના પર છે. તેઓ ગઈ કાલે સંસદભવનમાં આવ્યા હતા અને સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને લોકસભામાં બોલવા દેવાની છૂટ આપવા વિનંતી કરી હતી.
નવી દિલ્હીમાં કૉન્ગ્રેસના મુખ્યાલય ખાતે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના ચાર પ્રધાનોએ મારી સામે આરોપ મૂક્યો છે. ગૃહમાં આરોપ મૂકવામાં આવ્યો છે એટલે સંસદભવનમાં મારી વાત રજૂ કરવા દેવામાં આવે એનો મને અધિકાર છે. ક્લૅરિટી નથી, પરંતુ મને નથી લાગતું કે તેઓ મને સંસદમાં બોલવા દેશે. મને આશા છે કે આજે મને સંસદમાં બોલવા દેશે. ગઈ કાલે મારા આવ્યાને એક મિનિટમાં તેમણે ગૃહને મોકૂફ રાખ્યું હતું.’
ADVERTISEMENT
આ પણ વાંચો: રાહુલ ગાંધીને કોન્ફરન્સ દરમિયાન પીઢ નેતાએ કાનમાં કહ્યું આવું ન બોલો મજાક બનશે
તેમણે વધુ કહ્યું હતું કે ‘મૂળ આઇડિયા એ છે કે મેં થોડા દિવસ પહેલાં અદાણી વિશે તેમ જ અદાણી અને પીએમ મોદીના સંબંધો વિશે ભાષણ સંસદમાં આપ્યું હતું. મેં સવાલો પૂછ્યા હતા. એ ભાષણમાં એવી કોઈ વાત નહોતી કે જે મેં પબ્લિક રેકૉર્ડમાંથી મેળવીને રજૂ નહોતી કરી. ન્યુઝ પેપર્સમાંથી તેમ જ લોકોનાં સ્ટેટમેન્ટ્સના આધારે મેં સમગ્ર ભાષણ તૈયાર કર્યું હતું. આ સમગ્ર મામલો ધ્યાન હટાવવાનો છે. સરકાર અને પીએમ અદાણીના મુદ્દાથી ડરી ગયા છે એટલે તેમણે આખો તમાશો તૈયાર કર્યો છે. મને લાગે છે કે તેઓ મને સંસદભવનમાં બોલવા દેશે નહીં, કેમ કે મુખ્ય મુદ્દાઓ હજી પણ ટેબલ પર છે, જેમ કે અદાણી અને પીએમ મોદીના સંબંધો શું છે તેમ જ અદાણીને જે ડિફેન્સ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે એ શા માટે આપવામાં આવે છે. આ બધા સવાલોના પીએમ જવાબ આપી શક્યા નથી. હું એમપી છું એટલે મારી પહેલી જવાબદારી સંસદમાં જવાબ આપવાની છે.’