આ ભાષણ માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને ટોક્યા હતા
રાહુલ ગાંધી
લોકસભામાં ચક્રવ્યૂહના મુદ્દે ૨૯ જુલાઈએ આપેલા ભાષણ બાદ મારા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા રેઇડ પાડવાની તૈયારી ચાલી રહી હોવાનો દાવો લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ કર્યો હતો.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર રાહુલ ગાંધીએ લખ્યું હતું કે ‘બેમાંથી એકને મારી ચક્રવ્યૂહની સ્પીચ ગમી નથી. મને EDનાં આંતરિક સૂત્રોએ કહ્યું છે કે મારા ઘરે રેઇડ પાડવાની તૈયારી થઈ રહી છે અને હું તેમના સ્વાગત માટે તૈયાર છું. ચા અને બિસ્કિટ મારા તરફથી રહેશે.’
ADVERTISEMENT
૨૯ જુલાઈએ કેન્દ્રીય બજેટ વિશે બોલતાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ‘દેશના ગરીબ, ખેડૂત અને યુવાનો ડરેલા છે. ચક્રવ્યૂહનું બીજું નામ પદ્મવ્યૂહ છે જે સત્તાધારી પાર્ટીના ચૂંટણીચિહ્ન કમળને મળતું આવે છે. તેઓ ૨૧મી સદીમાં ભારતના લોકોને ફસાવવા માટે ચક્રવ્યૂહ રચી રહ્યા છે. જોકે અમે વિપક્ષના INDIA ગઠબંધનના લોકો આ ચક્રવ્યૂહને તોડી નાખીશું.’
આ ભાષણ માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને ટોક્યા હતા. બજેટસત્ર ૨૨ જુલાઈએ શરૂ થયું હતું અને ૧૨ ઑગસ્ટે એ પૂરું થશે.