છેલ્લા થોડા સમયથી પૉલિટિકલ પિચ પર ફ્રન્ટફુટ પર રમી રહેલા રાહુલ ગાંધીએ છેડ્યો નવો વિવાદ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતેની તસવીર
કૉન્ગ્રેસના નેતાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ રામ મંદિરના ઉદ્ઘાટનના કાર્યક્રમના અનુસંધાનમાં કહી રહ્યા છે કે તમે રામ મંદિર ઓપન કર્યું ત્યારે ત્યાં નાચગાન ચાલતું હતું અને દેશના લોકો પણ નાચગાન કરી રહ્યા હતા : રામ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે રાહુલજીની દૃષ્ટિએ એ નૌટંકી અને નાચગાન હશે, પણ ભક્તોની દૃષ્ટિએ તો એ પ્રાણપ્રતિષ્ઠા જ છે
કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને નાચગાનાનો કાર્યક્રમ ગણાવતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોમાં જોરદાર રોષની લાગણી ફેલાઈ છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી વારંવાર હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ સંદર્ભનો એક વિડિયો વાઇરલ થયો છે અને એમાં રાહુલ ગાંધી જણાવી રહ્યા છે કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન અપાયું, કારણ કે તેઓ આદિવાસી છે. તેમના બદલે ઘણી સેલિબ્રિટીને બોલાવવામાં આવ્યા. અમિતાભ બચ્ચન, અદાણી અને અંબાણીને બોલાવવામાં આવ્યા. એક પણ મજૂરને ત્યાં બોલાવવામાં ન આવ્યો. તમે ત્યાં કોઈ ખેડૂત, મજૂરને જોયો? ત્યાં નાચગાનનો કાર્યક્રમ થઈ રહ્યો હતો. આખા દેશના લોકો પણ નાચગાન કરી રહ્યાં હતા.
આ સંદર્ભમાં BJPના પ્રવક્તા શહઝાદ પુનાવાલાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી હિન્દુ ધર્મનું અપમાન કરે છે, તેમનામાં તાકાત હોય તો બીજા કોઈ ધર્મ વિશે આમ બોલી બતાવે. વિપક્ષી ગઠબંધનના નેતાઓ હિન્દુ ધર્મને સનાતન બીમારી ગણાવી ચૂક્યા છે, રામચરિતમાનસને ગાળ આપી ચૂક્યા છે. તેઓ તેમના વિશેષ સમુદાયના મત મેળવવા માટે હિન્દુ આસ્થા પર ચોટ પહોંચાડી રહ્યા છે.
જોકે બીજી તરફ કૉન્ગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના બચાવમાં આવ્યા હતા. કૉન્ગ્રેસના સંસદસભ્ય માનિકમ ટાગોરે કહ્યું હતું કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે બૉલીવુડના લોકો અને શ્રીમંત લોકોને બોલાવવામાં આવ્યા હતા. અયોધ્યાવાસીઓને બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. રાહુલ ગાંધી એ જ વાત કરી રહ્યા છે કે આમ આદમીને બહાર રાખીને શ્રીમંતો અન બૉલીવુડ સ્ટારને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
રામ મંદિરના મુખ્ય પૂજારીએ શું કહ્યું?
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રાહુલ ગાંધીએ કરેલા વિધાન સંદર્ભે કહ્યું કે ‘રાહુલજીની દૃષ્ટિએ પ્રાણપ્રતિષ્ઠા નૌટંકી અને નાચગાન છે, પણ ભક્તોની દૃષ્ટિએ એ પ્રાણપ્રતિષ્ઠા જ છે. એમાં ભગવાન શ્રીરામની બાળસ્વરૂપે સ્થાપના કરવામાં આવી છે અને એનાં લોકોએ દર્શન કર્યાં હતાં અને આજે પણ કરી રહ્યા છે.’