બન્ને પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તાથી દૂર રાખવા માટે યુતિ કરશે
કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ નૅશનલ કૉન્ફરન્સ સાથે યુતિમાં ચૂંટણી લડવા માટે બેઠક યોજી હતી
જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્શનની જાહેરાત થતાંની સાથે જ ત્યાં પૉલિટિકલ ગતિવિધિઓ સ્વાભાવિક રીતે વધી ગઈ છે અને એમાં ગઈ કાલે બે દિવસની રાજ્યની મુલાકાતે ગયેલા કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ નૅશનલ કૉન્ફરન્સ સાથે યુતિમાં ચૂંટણી લડવા માટે બેઠક યોજી હતી. એવું કહેવાય છે કે રાજ્યની ૯૦ બેઠક પર બન્ને પાર્ટી યુતિ કરવા માટે ઇન-પ્રિન્સિપલ રાજી થઈ ગઈ છે, પણ કોણ કેટલી બેઠક લડશે એને લઈને બન્ને પાર્ટી વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. જોકે એમ છતાં બન્ને પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તાથી દૂર રાખવા માટે યુતિ કરશે અને રાજ્યના લોકોને તેમને જોઈતી સરકાર આપશે.
ગઈ કાલની મીટિંગ બાદ નૅશનલ કૉન્ફરન્સના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે ‘અમારી વચ્ચે બહુ સારી મીટિંગ થઈ છે. અમે યુતિ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને અલ્લાહની ઇચ્છાથી બહુ જલદી એ ફાઇનલ થઈ જશે.’
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં અને ખડગેસાહેબે કર્રાસાહેબ (જમ્મુ ઍન્ડ કાશ્મીરના કૉન્ગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ તારિક કર્રા)ને જણાવી દીધું છે કે આપણી યુતિ હશે, પણ કૉન્ગ્રેસના કાર્યકર અને નેતાઓનું માન જળવાવું જોઈએ. રાહુલ ગાંધી કાશ્મીર પહોંચ્યા એ પહેલાં બન્ને પાર્ટી વચ્ચે બેઠકના ત્રણ રાઉન્ડ થઈ ગયા હતા, જેમાં બુધવાર રાતની બેઠકમાં બન્ને પાર્ટીએ વધારે બેઠકો પર ચૂંટણી લડવાનું વલણ પકડી રાખ્યું હતું.