Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધી હવે સંસદસભ્ય રહ્યા નથી

રાહુલ ગાંધી હવે સંસદસભ્ય રહ્યા નથી

Published : 25 March, 2023 11:54 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતની અદાલતના ચુકાદા બાદ કૉન્ગ્રેસના નેતાને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા, લોકસભા સચિવાલયે તેમની બેઠક ખાલી જાહેર કરી દીધી : હવે પેટાચૂંટણી યોજાશે

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદભવનમાંથી રવાના થતા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી.  પી.ટી.આઇ.

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદભવનમાંથી રવાના થતા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. પી.ટી.આઇ.


કૉન્ગ્રેસ પાર્ટીએ ગઈ કાલે એક જબરદસ્ત પછડાટનો સામનો કરવો પડ્યો હતો. એના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૨૦૧૯ના અપરાધિક બદનક્ષીના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા હોવાથી લોકસભામાંથી તેમને ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા છે. લોકસભા સચિવાલયે તેમની બેઠક ખાલી જાહેર કરી દીધી છે. હવે ચૂંટણીપંચ આ બેઠક પર પેટાચૂંટણી માટે જાહેરાત કરી શકે છે.  


કૉન્ગ્રેસે આ નિર્ણયને વાયનાડના સંસદસભ્ય રાહુલને ચૂપ કરાવવા માટેનું એક કાવતરું ગણાવ્યું હતું. કૉન્ગ્રેસ રાહુલને ડિસક્વૉલિફાય કરવાના નિર્ણયને અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કથિત સંબંધો વિશે સતત કરવામાં આવતા સવાલો સાથે જોડી રહી છે. હિંડનબર્ગ રિસર્ચે એના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી સહિત અનેક ગંભીર આરોપો મૂક્યા છે, એ પછી કૉન્ગ્રેસ સતત આ મુદ્દે તપાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિની માગણી કરી રહી છે. 



લોકસભાના સચિવાલયે ગઈ કાલે ઇશ્યુ કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કેરલાની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને જનપ્રતિ​નિધિત્વ ઍક્ટ, ૧૯૫૧ની કલમ ૮ની સાથે બંધારણની કલમ ૧૦૨ (૧) (ઈ)ની જોગવાઈઓ હેઠળ ૨૦૨૩ની ૨૩ માર્ચે એટલે કે તેમને આપવામાં આવેલી સજાના દિવસથી લોકસભાના સભ્યપદ પરથી ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા છે.’ 


જનપ્રતિનિધિત્વ કાયદા, ૧૯૫૧ની કલમ ૮ (૩) અનુસાર કોઈ સંસદસભ્ય જે ક્ષણે કોઈ પણ અપરાધ હેઠળ દોષી પુરવાર થાય અને એને ઓછામાં ઓછી બે વર્ષની સજા કરવામાં આવે તો તેને ડિસક્વૉલિફાય કરવામાં આવી શકે છે. 

ગુજરાતમાં સુરતની અદાલતે મોદી સરનેમ વિશેની કમેન્ટ બદલ બીજેપીના વિધાનસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષ જેલની સજા કરી હતી.


કૉન્ગ્રેસ અને બીજેપી આમને-સામને 
કૉન્ગ્રેસના લીડર મનીષ તિવારીએ કહ્યું હતું કે ‘લોકસભા સચિવાલય એક સંસદસભ્યને ડિસક્વૉલિફાય ન કરી શકે. ચૂંટણી પંચ સાથે ચર્ચાવિચારણા કરીને રાષ્ટ્રપતિએ એમ કરવાનું હોય છે.’ જોકે, આ વાતથી અસંમત જાણીતા લોયર અને બીજેપીના સંસદસભ્ય મહેશ જેઠમલાણી કહે છે કે ‘કાયદા મુજબ તેમને ડિસક્વૉલિફાય કરવાનો નિર્ણય યોગ્ય છે.’
ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન કપિલ સિબલે કહ્યું હતું કે ‘જો અદાલતે સજા સ્થગિત કરી હોય તો એ પૂરતું નથી. દોષી ગણાવતા ચુકાદા પર સ્ટે જરૂરી છે.’ દરમ્યાન રાહુલે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. દરેક કિંમત ચૂકવવા તૈયાર છું.’

ક્રોનોલૉજી સમજીએ
કૉન્ગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ એક ટ્વીટ કરીને રાહુલ ગાંધી વિરુદ્ધના માનહાનિના કેસમાં ક્રોનોલૉજીને લઈને કેટલાક સવાલ કર્યા છે.
૧૬ એપ્રિલ ૨૦૧૯ - ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
૨૪ જૂન ૨૦૨૧ - રાહુલ ગાંધી સુરતમાં પર્સનલી અપિયર થયા હતા.
૦૭ માર્ચ ૨૦૨૨ - બીજેપીના નેતા પૂર્ણેશ મોદી પોતાની ફરિયાદ પર સ્ટે માટે ગુજરાત હાઈ કોર્ટ ગયા.
એક વર્ષ સુધી બધું શાંત.
૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ - રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક સ્પીચ આપી સરકારને ઘેરવાની કોશિશ કરી..
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ - અચાનક ફરિયાદી પોતાની અરજી પરનો સ્ટે હટાવવા હાઈ કોર્ટમાં ગયા.
૧૭ માર્ચ, ૨૦૨૩ - આદેશને સુર​ક્ષિત રાખવામાં આવ્યો.
૨૩ માર્ચ ૨૦૨૩ - આદેશ આપવામાં આવ્યો. 

મમતા બૅનરજી -પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન
પીએમ મોદીના નવા ભારતમાં વિપક્ષના નેતાઓ બીજેપીના મુખ્ય ટાર્ગેટ બન્યા છે. અપરાધિક ભૂતકાળ ધરાવતા બીજેપીના નેતાઓનો કૅબિનેટમાં સમાવેશ કરવામાં આવે છે, જ્યારે વિપક્ષના નેતાઓને તેમની સ્પીચ બદલ ડિસક્વૉલિફાય કરવામાં આવે છે. 

સૌરભ ભારદ્વાજ -દિલ્હીના પ્રધાન
કૉન્ગ્રેસની સાથે અમારા ઘણા મતભેદો છે. કેન્દ્ર સરકાર જ્યારે પણ અમારા પર અટૅક કરે છે ત્યારે કૉન્ગ્રેસના નેતાઓ તાળી પાડે છે. જો લોકશાહીમાં કેન્દ્ર સરકાર વિપક્ષનો અવાજ દબાવી દે તો લોકોના મુદ્દાઓને કોણ ઉઠાવશે? સામાન્ય મુદ્દે ડઝનેક કેસ કરવામાં આવે છે.  

અશોક ગેહલોટ - રાજસ્થાનના મુખ્ય પ્રધાન
રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે ડિસક્વૉલિફાય કરવા એ સરમુખત્યારશાહીનું વધુ એક ઉદાહરણ છે. બીજેપી એ ન ભૂલે કે આ જ રીત ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ પણ અપનાવવામાં આવી હતી અને એનાં પરિણામ ભોગવવાં પડ્યાં હતાં. રાહુલ દેશનો અવાજ છેે. 

પહેલાં દાદી અને હવે પૌત્ર રાહુલ - ૪૮ વર્ષ પછી કોર્ટના નિર્ણયથી ગાંધી પરિવારને લાગ્યો બીજો આંચકો
રાહુલ ગાંધીને સુરતની અદાલત પછી લોકસભાના સચિવાલય તરફથી આંચકો લાગ્યો છે. હવે તેમનાં દાદી ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરવાની ઘટનાને પણ યાદ કરવામાં આવી છે. લગભગ ૪૮ વર્ષ પહેલાં ૧૯૭૫ની ૧૨ જૂને સવારે અલાહાબાદ હાઈ કોર્ટની કોર્ટ રૂમ ૨૪મા જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ઐતિહાસિક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ‘રાયબરેલીમાં થયેલી ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી ગેરરીતિના આરોપસર દોષી હોવાથી તેમની ચૂંટણી રદ કરવામાં આવે છે.’ જસ્ટિસ સિંહાના નિર્ણય બાદ જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ બીજાં છ વર્ષ સુધી ઇન્દિરા ગાંધી ચૂંટણી લડી શકે એમ નહોતાં.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 11:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK