પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે અરજદારને ૧૦૦૦ રૂપિયાનો ટોકન-દંડ ફટકાર્યો
પ્રતીકાત્મક તસવીર
જેનો પતિ હયાત નથી એવી મહિલાઓ, લિવ-ઇન પાર્ટનર્સ સહિતની તમામ મહિલાઓ માટે કરવા ચૌથને અનિવાર્ય ઉત્સવ બનાવવાની માગણી કરતી એક અરજીને પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ફગાવી દીધી હતી અને અરજદારને ૧૦૦૦ રૂપિયાનો ટોકન-દંડ ફટકાર્યો હતો.
નરેન્દ્ર કુમાર મલ્હોત્રા દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીમાં માગણી કરવામાં આવી હતી કે કરવા ચૌથ ઉત્સવ મહિલાઓના સૌભાગ્યનો ઉત્સવ અથવા માં ગૌરા ઉત્સવ અથવા માં પાર્વતી ઉત્સવ તરીકે ઘોષિત કરવામાં આવી શકે છે. આ ઉત્સવની સાંજે આયોજિત કરવામાં આવનારી ચૌથ પૂજામાં તમામ વર્ગની અને શ્રેણીની મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કોઈ એમાં આવવાનો ઇનકાર કરે તો તેને દંડ કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી હતી. આ માટે કાયદામાં સુધારા કરવાની માગણી પણ તેમણે કરી હતી.
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ સુમીત ગોયલની કોર્ટે આ મુદ્દે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે સમાજમાં વિશેષરૂપે જેમનો પતિ હયાત નથી એવી મહિલાઓને કરવા ચૌથની પૂજા કરવાની અનુમતિ નથી, વળી આ મામલો વિધાનસભાના ક્ષેત્રમાં આવે છે એટલે અમે એમાં હસ્તક્ષેપ કરવા માગતા નથી.
બેન્ચે અરજદારને ચંડીગઢની હૉસ્પિટલમાં પુઅર પેશન્ટ વેલ્ફેર ટ્રસ્ટમાં ૧૦૦૦ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.