રાયબરેલી બેઠક જાળવી રાખીને રાહુલ ગાંધી કેરલાની બેઠક ખાલી કરે એવી શક્યતા
પ્રિયંકા ગાંધી
કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા કેરલાની વાયનાડ બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવીને ઇલેકટોરલ રાજકારણની ઇનિંગ્સ શરૂ કરે એવી શક્યતા છે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને કેરલામાં વાયનાડ એમ બે બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને તેઓ વાયનાડની બેઠક ખાલી કરે એવી શક્યતા છે.
આ વખતે ચૂંટણી લડવાની પ્રિયંકા ગાંધીએ ના પાડી દીધી હતી, પણ હવે કૉન્ગ્રેસને ૯૯ બેઠકો મળતાં તેઓ સક્રિય રાજકારણમાં ઝુકાવે એવી શક્યતા છે. રાહુલ ગાંધીએ રાયબરેલીમાં પણ કહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પર ચૂંટણી લડ્યાં હોત તો બે લાખ મતથી ચૂંટણી જીતી ગયાં હોત. સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાને બદલે રાજ્યસભામાંથી સંસદમાં આવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને તેથી રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારની જ કોઈ વ્યક્તિ લડશે એવી શક્યતા હતી. રાયબરેલી પર રાહુલ ગાંધીને અને અમેઠી બેઠક પર કૉન્ગ્રેસના વફાદાર કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને બેઉ બેઠકો કૉન્ગ્રેસે જીતી લીધી હતી.