કેરલાની વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી પ્રિયંકા ગાંધી વાડ્રાએ
વાયનાડમાંથી ઉમેદવારી નોંધાવતાં પહેલાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધી સાથે રોડ-શો કર્યો હતો. ત્યાર બાદ ફૉર્મ ભર્યું ત્યારે મમ્મી સોનિયા ગાંધી પણ ઉપસ્થિત હતાં.
કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે કેરલાની વાયનાડ લોકસભા બેઠક પર થનારી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને એ પહેલાં એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ૩૫ વર્ષ સુધી મેં ચૂંટણીપ્રચાર કર્યો છે, પણ પહેલી વાર મારા માટે મત માગવા આવી છું.
જનસભામાં સ્ટેજ પર આ સમયે તેમનાં મમ્મી સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતાં.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બેઉ સ્થળે તેમની જીત થતાં વાયનાડ બેઠક પરથી તેમણે રાજીનામું આપી દીધું હતું. આથી અહીં પેટાચૂંટણી યોજાઈ છે, જેમાં તેમનાં બહેન પ્રિયંકા ચૂંટણીમાં ઊભાં રહ્યાં છે.
વાયનાડના લોકોએ મારા માટે જે કર્યું છે એનો શબ્દોમાં આભાર વ્યક્ત કરી શકું એમ નથી. હવે તમારી પાસે એક સત્તાવાર અને એક બિનસત્તાવાર એમ બે પ્રતિનિધિ સંસદમાં રહેશે જેઓ તમારા પ્રશ્નો ઉઠાવશે. - રાહુલ ગાંધી
હું જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે મારા પિતા (ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી) માટે ચૂંટણીપ્રચાર કરતી હતી. ત્યાર બાદ મેં મારી મમ્મી, મારા ભાઈ અને બીજા સાથીઓ માટે ચૂંટણીપ્રચાર કર્યો છે. છેલ્લાં ૩૫ વર્ષમાં અનેક ચૂંટણીમાં મેં પ્રચાર કર્યો છે પણ આ વખતે હું મારા પોતાના માટે પ્રચાર કરી રહી છું. હું તમારા સપોર્ટની આશા રાખું છું. - પ્રિયંકા ગાંધી વાડ્રા
વિધાનસભાની ૪૮ બેઠકો પર પેટાચૂંટણી
૧૩ નવેમ્બરે વાયનાડ સહિત લોકસભાની બે અને વિધાનસભાની ૪૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ૨૩ નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે એની પણ મતગણતરી થશે.