પુલવામામાં આતંકવાદી હુમલા વિશે એક ઇન્ટરવ્યુમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આ ઘટસ્ફોટ કર્યો
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક
નવી દિલ્હી ઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદી સરકાર અને જમ્મુ-કાશ્મીર વિશે સનસનીખેજ વાતો જણાવી હતી.
ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે મલિક રાજ્યપાલ હતા. એ ઘટના વિશે તેમણે કહ્યું હતું કે ‘સીઆરપીએફે તેમના જવાનોને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવા માટે ઍરક્રાફ્ટ્સ માગ્યાં હતાં, કેમ કે આટલો મોટો કાફલો ક્યારેય રોડથી જતો નથી. ગૃહ મંત્રાલય પાસેથી ઍરક્રાફ્ટ્સની મંજૂરી માગવામાં આવી હતી અને ગૃહ મંત્રાલયે એના માટે ના પાડી હતી. મેં એ જ સાંજે વડા પ્રધાનને કહ્યું હતું કે આ આપણી ભૂલથી આ હુમલો
થયો છે. જો આપણે ઍરક્રાફ્ટ્સ
આપી દીધાં હોત તો આ હુમલો ન થયો હોત. તેમણે મને કહ્યું કે તુમ અભી ચૂપ રહો. કાશ્મીર મામલે તો મને સ્પષ્ટ સૂચના હતી કે તમારે કંઈ પણ બોલવાનું નથી.’
તેમણે કહ્યું હતું કે ‘હું સેફલી કહી શકું છું કે પ્રાઇમ મિનિસ્ટરને કરપ્શનથી વધારે નફરત નથી.’ જેના પછી તરત તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે આમ કહો છો તો હવે પછી મોદી સરકારની તમારા પ્રત્યે નફરત વધી જશે. એના જવાબમાં મલિકે કહ્યું હતું કે ‘ગમે એટલા નારાજ થાય, હકીકત એ હકીકત છે. નરેન્દ્ર મોદી વિશે મારો એ ઓપિનિયન નથી જે આખી દુનિયાનો છે. પીએમને કાશ્મીર વિશે કોઈ જાણકારી નથી. તેઓ પોતાનામાં જ મસ્ત રહે છે, જે થતું હોય એ થવા દો.’
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ગૌતમ અદાણી ગ્રુપની સામે મૂકવામાં આવેલા આરોપો મુદ્દો બની શકે છે કે નહીં એના વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘ચોક્કસ જ. જો તેઓ આ સ્થિતિ સુધારશે નહીં તો અદાણી આ લોકોને ફિનિશ કરી દેશે.’
તેમને સવાલ કરવામાં આવ્યો કે શું અદાણી બીજેપીને ડિમોલિશ કરી શકે છે તો પછી મલિકે કહ્યું હતું કે ‘એ હદે કે એની સરકાર હતી એ ભુલાઈ જશે એટલી ઓછી બેઠકો આવશે.’
રાષ્ટ્રપતિ વિશે તેમણે કહ્યું હતું કે ‘તમને આશ્ચર્ય થશે, રાષ્ટ્રપતિની સાથે મારી અપૉઇન્ટમેન્ટ હતી. એ સમયે હું રાજ્યપાલ હતો. હું તેમને મળવા જઈ રહ્યો હતો. રસ્તામાં રાષ્ટ્રપતિ ભવનથી કૉલ આવ્યો કે રાષ્ટ્રપતિ બિઝી છે. મીટિંગ કૅન્સલ થઈ ગઈ છે. તેમનું તો અપૉઇન્ટમેન્ટ લિસ્ટ પણ પીએમઓમાં જાય છે, ત્યાંથી ક્લિયર થાય છે.’