મને વિશ્વાસ છે કે અમારા ઍથ્લેટ્સ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે
પેરિસ ઓલિમ્પિક્સના ખેલાડીઓ
ગઈ કાલે સાંજે જ્યારે મુંબઈમાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ વિક્ટરી પરેડ કરી રહી હતી અને આખો દેશ એ જશન જોવામાં વ્યસ્ત હતો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૅરિસ ઑલિમ્પિક્સ ગેમ્સ રમવા જનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તેમના નિવાસસ્થાને તેઓ રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા, ભારતીય ઑલિમ્પિક સંઘનાં પ્રમુખ પી.ટી. ઉષા સહિત ખેલાડીઓને મળ્યા હતા. પી.વી. સિંધુ અને નીરજ ચોપડા આ મીટિંગમાં ઑનલાઇન જોડાયાં હતાં. વડા પ્રધાન મોદીએ ભારતીય ટીમને મળ્યા બાદ તસવીરો પણ શૅર કરીને લખ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે અમારા ઍથ્લેટ્સ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની જીવનયાત્રા અને સફળતા ૧૪૦ કરોડ ભારતીયોને નવી આશા આપે છે.’
બિહારમાં છેલ્લા ૧૫ દિવસમાં ૯ બ્રિજ તૂટી પડ્યા હોવાથી રાજ્યના તમામ બ્રિજનું રાજ્ય સરકાર સ્ટ્રક્ચરલ ઑડિટ કરે એવો નિર્દેશ સુપ્રીમ કોર્ટ આપે એ માટે જાહેર હિતની યાચિકા દાખલ કરવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં બંધાઈ રહેલા બ્રિજ અને થોડા જૂના થઈ ગયેલા બ્રિજ તૂટવાની ઘણી ઘટના બની હોવાથી જાનમાલનું નુકસાન થયું હોવાથી આ બાબતે ઉપાય યોજના કરવા માટે સુપ્રીમ કોર્ટને આદેશ આપવાનું આ યાચિકામાં કહેવામાં આવ્યું છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આને સામાન્ય અકસ્માત ન કહેવાય, કારણ કે આ તો માનવસર્જિત
હોનારતો છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ જોતાં ૭૩.૦૬ ટકા વિસ્તારમાં પૂર આવવાની ભારોભાર શક્યતા છે. જો આ વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિનું જોખમ રહેલું છે. રાજ્યના તમામ બ્રિજનું મૉનિટરિંગ કરવા માટે પૉલિસી બનાવવાની પણ માગણી યાચિકામાં કરવામાં આવી છે.