વારાણસીમાં વડા પ્રધાને કર્યો રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલોઃ નરેન્દ્ર મોદીએ બનાસ ડેરી પ્લાન્ટ સહિત ૧૦,૯૭૨ કરોડ રૂપિયાના વિકાસ-પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
ગઈ કાલે વારાણસીમાં નરેન્દ્ર મોદીનો ચાહક.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં બનાસ ડેરી પ્લાન્ટ સહિત ૧૦,૯૭૨ કરોડ રૂપિયાના વિકાસ-પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું અને એક ડઝનથી વધુ પ્રોજક્ટની શિલારોપણવિધિ કરી હતી.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે પોતાના પ્રવચનમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને આડા હાથે લીધા હતા કે જેઓ હાલ ભારત જોડો ન્યાય યાત્રા સાથે વારાણસી પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીનાં નિવેદનો પર મોદીએ જણાવ્યું હતું કે જેના ખુદના હોશનું ઠેકાણું નથી તેઓ મારાં કાશીનાં બાળકોને નશાખોર કહી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે યુપીના યુવાનો યુપીને વિકસિત બનાવવામાં રચ્યાપચ્યા છે.
ADVERTISEMENT
ઇન્ડિયા યુતિ દ્વારા યુપીના યુવાનોના અપમાનને ક્યારેય ભૂલવામાં નહીં આવશે. તેમના બળાપાનું એક ઑર કારણ પણ છે. તેમને કાશી અને અયોધ્યાનું નવું સ્વરૂપ જરાય ગમતું નથી. આથી જ તેઓ દરેક ચૂંટણીમાં સાથે આવે છે, પરંતુ પરિણામ આવે છે ત્યારે સન્નાટો વ્યાપી જાય છે અને તેઓ એકમેકને ગાળો આપતા અલગ થઈ જાય છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વનાથ ધામનું લોકાર્પણ થયું છે ત્યારથી રિક્ષાચાલકો, ફૂલ વેચનારાઓ અને નાવ હંકારનારાઓ સહિત તમામનો રોજગાર વધ્યો છે. પરિવારવાદે યુપીને પાછળ રાખ્યું છે. યુવાનોનું ભવિષ્ય બગાડ્યું છે. કૉન્ગ્રેસના શાહી પરિવારના યુવરાજનું કહેવું છે કે કાશીના યુવાનો નશાખોર છે. તેમના ખુદના હોશનાં ઠેકાણાં નથી અને મારા કાશીના યુવાનોને નશાખોર કહી રહ્યા છે. તેમની આ જ અસલિયત છે જે પરિવારવાદી છે. યુવાઓના ટેલન્ટથી તેઓ ડરે છે. તેમના ગુસ્સાનું કારણ છે કાશી અને અયોધ્યાનું નવું સ્વરૂપ, જે તેમને ગમતું નથી.
રામમંદિર પર કેવી-કેવી વાતો કરે છે. દરેક ચૂંટણીમાં તેઓ સાથે આવે છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે આ બનારસ છે. અહીં બધા જ ગુરુ છે. તેમના પેંતરા અહીં નહીં ચાલે.
મોદીએ જણાવ્યું કે સમગ્ર દેશનો મૂડ આ વખતે મોદીની ગૅરન્ટી છે. યુપીમાં તમામ બેઠકો એનડીએ મેળવશે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે બીએચયુમાં કાશી સાંસદ સંસ્કૃત સ્પર્ધાના પુરસ્કાર વિતરણ સમારોહમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ સીર ગોવર્ધન ગામ પહોંચ્યા હતા અને ત્યાં સંત રવિદાસ મંદિરમાં પૂજા કરી અને લંગરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યાર બાદ મંદિર-પરિસરમાં સંત રવિદાસની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.