ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્ય઼ું...
નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ
ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાત (AIMJ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જ્યાં સુધી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે ત્યાં સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અખંડ ભારતનું સપનું પૂરું કરી શકે એમ છે. વડા પ્રધાન મોદી દિલ્હીથી દેશ સંભાળી રહ્યા છે અને યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સારું કામ કરીને દુનિયાભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે. આ બે મહાન હસ્તી છે જેઓ અખંડ ભારતનું સપનું પૂરું કરી શકે એમ છે અને તેમણે આ કામ શરૂ કરી દેવું જોઈએ.’
યોગી આદિત્યનાથે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં કરેલા પ્રવચનમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં હવે પાકિસ્તાનથી અલગ થવાની માગણી ઊઠી છે. રાજ્યમાં BJPની સરકાર આવશે એટલે આ પ્રદેશ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશનો હિસ્સો બનશે.’ આ મુદ્દે બરેલવીએ કહ્યું હતું કે ‘યોગી આદિત્યનાથ જે કહે છે એમાં સત્ય છે. સિંધ પહેલાં આપણા દેશનો હિસ્સો હતું. ૧૯૪૭ બાદ એ પાકિસ્તાનમાં જતું રહ્યું. અખંડ ભારતમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશ પણ ભારતના હિસ્સા હોવા જોઈએ. પહેલાં એ અખંડ ભારતના હિસ્સા હતા. આ કામ વડા પ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ કરી શકે એમ છે.’