રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સામાજિક જીવનનું એ દુખદ પાસું છે કે...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે જણાવ્યું હતું કે સામાજિક જીવનનું એ દુખદ પાસું છે કે કેટલાક કિસ્સામાં સંસાધનો ધરાવતા લોકો ગુનો કર્યા પછી નિર્ભયપણે અને મુક્તપણે ફરતા રહે છે અને પીડિતો ભયમાં જીવે છે, જાણે કે ગરીબ લોકોએ ગુનો કર્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત બે દિવસીય નૅશનલ કૉન્ફરન્સ ઑફ ડિસ્ટ્રિક્ટ જુડિશ્યરીના સમાપન પ્રસંગે બોલતાં દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે ‘જ્યારે બળાત્કાર જેવા જઘન્ય ગુનાના ચુકાદા અદાલતોમાં પેઢી વીતી ગયા બાદ આવે છે ત્યારે સામાન્ય માનવીને લાગે છે કે ન્યાયિક પ્રક્રિયામાં સંવેદનશીલતાનો અભાવ છે. ગામડાના ગરીબ લોકો કોર્ટ સુધી જતાં ડરે છે, ઘણી વાર તેઓ અન્યાય ચૂપચાપ સહન કરે છે, માત્ર ઘણી મોટી મજબૂરી હોય તો જ તેઓ કોર્ટમાં આવે છે. તેમને લાગે છે કે કોર્ટમાં કેસ લડવાથી તેમનું જીવન વધુ દયનીય બનશે. ગામડામાંથી કોર્ટ સુધી જવું અને આવવું તેમના માટે માનસિક અને નાણાકીય દબાણનું કારણ બની જાય છે. આથી કોર્ટમાં કેસની સુનાવણી સ્થગિત કરવાની બાબત બદલવામાં આવવી જોઈએ.’
ADVERTISEMENT
કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યાના સંબંધમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘કેટલાક કેસ તો ૩૨ વર્ષથી પેન્ડિંગ છે. આ દુખદ છે. ઝડપી ન્યાય આપવા માટે વધારે પ્રમાણમાં લોક-અદાલતોનું આયોજન કરવું જોઈએ. લોકોને સમજાય એવી સ્થાનિક ભાષામાં કોર્ટની પ્રક્રિયા ચલાવવી જોઈએ. આમ કરવાથી લોકોને લાગશે કે ન્યાય તેમના ઘર સુધી પહોંચી ગયો છે.’
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘દેશના લોકો દરેક જજને ભગવાન તરીકે માને છે અને દેશના તમામ જજ અને જુડિશ્યલ ઑફિસરે તેમની નૈતિક જવાબદારી સમજીને ધર્મ, સત્ય અને ન્યાયનું સન્માન કરવું જોઈએ. જિલ્લા કોર્ટ દેશના કરોડો નાગરિકોમાં જુડિશ્યરીની ઇમેજને સુધારવામાં મદદ કરી શકે એમ છે. જિલ્લા કોર્ટોએ લોકોને સંવેદનશીલતા અને ત્વરાથી ઓછા ખર્ચે ન્યાય આપવો જોઈએ અને આમ થાય તો જુડિશ્યરીને સફળતા મળશે.’
સુપ્રીમ કોર્ટની ૭૫મી વર્ષગાંઠ પર નવા ધ્વજ અને પ્રતીકચિહ્નનું રાષ્ટ્રપતિએ કર્યું અનાવરણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે સુપ્રીમ કોર્ટની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે એના નવા ધ્વજ અને લોગોનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ ઉપસ્થિત રહ્યા હતા. ન્યાય અને લોકતંત્રના પ્રતીક નવા ધ્વજ અને લોગોની ડિઝાઇન નવી દિલ્હીની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી (NIFT)એ કરી છે. ધ્વજમાં અશોકચક્ર, ભવ્ય સુપ્રીમ કોર્ટ ભવન અને બંધારણનું પુસ્તક છે.