બિહારની ચાર બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલાં ઇલેક્શન સ્ટ્રૅટેજિસ્ટ અને જન સુરાજ પાર્ટીના ફાઉન્ડરે પહેલી વાર પોતાની ફીનો આંકડો જાહેર કર્યો
પ્રશાંત કિશોર
ઇલેક્શન સ્ટ્રૅટેજિસ્ટ અને જન સુરાજ પાર્ટીના ફાઉન્ડર પ્રશાંત કિશોરે પહેલી વાર જાહેરમાં પોતે કેટલી ફી ચાર્જ કરે છે એનો ખુલાસો કર્યો હતો. બિહારની ચાર બેઠક પર ૧૩ નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે પોતાની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટી કે નેતાને ચૂંટણી માટે સ્ટ્રૅટેજી બનાવી આપવાના ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૂપિયા લે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આખા બિહારમાં તેમના જેટલી ફી કોઈ નથી લેતું. અત્યારે દસ રાજ્યોમાં તેમણે બનાવેલી સ્ટ્રૅટેજીના આધારે બનેલી સરકારો ચાલી રહી છે.’
મતદારોને સંબોધતાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘તમને લાગે છે કે મારી પાસે પ્રચાર કરવા માટે ટેન્ટ કે કૅનપી ઊભા કરવાના પણ પૈસા નથી? તમને લાગે છે કે હું બહુ જ વીક છું? તો હું તમને જણાવી દેવા માગું છું કે બિહારમાં કોઈએ સાંભળી પણ નહીં હોય એટલી ફી હું ચાર્જ કરું છું. આગામી બે વર્ષ સુધી હું મારી પાર્ટીનો ચૂંટણીપ્રચાર આવી જ કોઈ એક પાર્ટી કે નેતાને ઇલેક્શનની ઍડ્વાઇઝ આપીને ફન્ડ કરી શકું છું.’
ADVERTISEMENT
ત્યાર બાદ તેમણે બિહારના લોકોને જાત (જાતિ)-ભાત (મફતમાં રાશન આપનારા)ની રાજનીતિ કરનારાઓને જાકારો આપવાનું આહવાન કરીને કહ્યું હતું કે બિહાર પાછળ રહી જવાનું આ મુખ્ય કારણ છે. પ્રશાંત કિશોરે બીજી ઑક્ટોબરે પોતાની પાર્ટી લૉન્ચ કરી હતી. આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની તમામ બેઠકો પર તેમની પાર્ટી ચૂંટણી લડવાની છે.