કર્ણાટક વિધાનસભા ચૂંટણીને 2024 લોકસભાની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે, જ્યારે ભાજપ (BJP) દક્ષિણ ભારતમાં પોતાનો એકમાત્ર ગઢ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી (Karnataka Assembly Election)ની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજ્યમાં 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, જેનું પરિણામ 13 મેના રોજ આવશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને 2024 લોકસભાની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે, જ્યારે ભાજપ (BJP) દક્ષિણ ભારતમાં પોતાનો એકમાત્ર ગઢ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે કૉંગ્રેસ (Congress) મિશન-દક્ષિણ હેઠળ કર્ણાટકમાં ફરી સરકાર બનાવવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. જેડીએસ ફરી એકવાર કિંગમેકર બનવા માટે ઝઝૂમી રહી છે. કર્ણાટકની ચૂંટણી પર માત્ર રાજ્યની જ નહીં, પરંતુ સમગ્ર દેશની નજર છે.
ADVERTISEMENT
વિધાનસભાની મુદત 24 મેના રોજ પૂરી થશે
કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી, જ્યારે કૉંગ્રેસે 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે.
નોંધનીય છે કે વર્ષ 2018માં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં કૉંગ્રેસ અને JDSએ મળીને સરકાર બનાવી છે. જેડીએસ નેતા કુમારસ્વામી ગઠબંધન સરકારમાં મુખ્યપ્રધાન બન્યા હતા, પરંતુ લગભગ 14 મહિના પછી કૉંગ્રેસના ઘણા ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા, જેના કારણે કુમારસ્વામી સરકાર પડી ગઈ હતી. આ પછી ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી. જોકે, યેદિયુરપ્પાએ બે વર્ષ બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી બસવરાજ બોમાઈ રાજ્યના સીએમ બન્યા.
આ પણ વાંચો: એમને જવાબ આપો જે તમને કેરી કેવી રીતે ખાઓ છો તે નથી પૂછતા: મલ્લિકાર્જુન ખડગે
5 વર્ષમાં ત્રણ મુખ્યપ્રધાન બદલાયા
કર્ણાટકમાં છેલ્લા 5 વર્ષમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ છે. 5 વર્ષમાં ત્રણ વખત રાજ્યમાં સીએમ બદલાયા, 23 મે, 2018ના રોજ સીએમ તરીકે શપથ લેનારા સૌપ્રથમ કુમારસ્વામી હતા. તેઓ 23 જુલાઈ 2019 સુધી મુખ્યપ્રધાન પદ પર હતા. આ પછી યેદિયુરપ્પા 26 જુલાઈ 2019થી 28 જુલાઈ 2021 સુધી મુખ્યપ્રધાન પદ પર હતા. યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ 28 જુલાઈ 2021ના રોજ બસવરાજ મુખ્યપ્રધાન બન્યા. તેઓ રાજ્યના હાલના સીએમ છે.