રાયબરેલીના લોકોને ધન્યવાદ કહેવા પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું...
મંગળવારે રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
રાયબરેલીમાં જીત મેળવ્યા બાદ ત્યાંના લોકોને ધન્યવાદ કહેવા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે રાયબરેલી ગયા હતા અને કહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધીએ વારાણસીમાંથી ચૂંટણી લડી હોત તો તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે લાખ મતના ફરકથી હરાવી દીધા હોત.
રાહુલ ગાંધી રાયબરેલીમાં આશરે ૪ લાખ મતથી જીત્યા છે, જ્યારે બાજુમાં આવેલી અમેઠી લોકસભા બેઠક પર કૉન્ગ્રેસના વફાદાર કિશોરીલાલ શર્માએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને ૧.૬૭ લાખ મતથી હરાવ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસને ૬ અને એના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીને ૩૭ બેઠક પર વિજય મળ્યો છે.
ADVERTISEMENT
રાયબરેલીના ભુવેમાઉ ગેસ્ટહાઉસમાં આશરે ૩૦૦૦ લોકોને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકોએ નફરત, હિંસા અને અહંકારને હરાવવા માટે વિપક્ષોના ગઠબંધનને મત આપ્યા છે.
અયોધ્યા વિધાનસભા ધરાવતી ફૈઝાબાદની બેઠક પર સમાજવાદી પાર્ટીના વિજયના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘તમે જોયું હશે કે તેમણે રામમંદિર બનાવ્યું એ અયોધ્યાની બેઠક પર પણ તેઓ હારી ગયા. મંદિરના ઉદ્ઘાટન વખતે ગરીબ, દલિત કે શ્રમિકોને બોલાવવામાં આવ્યા નહોતા. આદિવાસી રાષ્ટ્રપતિને પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ન આવી શકે. અદાણી, અંબાણી, બૉલીવુડ અને ક્રિકેટરોને બોલાવવામાં આવ્યા હતા. આનો જવાબ અયોધ્યાની જનતાએ આપ્યો છે. માત્ર અયોધ્યા જ નહીં, વારાણસીની જનતાએ પણ આપ્યો છે. જો મારી બહેન પ્રિયંકા ગાંધી વારાણસીમાં ઊભી રહી હોત તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બે લાખ મતના ફરકથી હારી ગયા હોત.’