વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોમાં હજારો લોકો જોડાયા
કોચીમાં ગઈ કાલે રોડ-શો દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગઈ કાલે કેરલાના કોચીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઇએનએસ ગરુડ નેવલ ઍર સ્ટેશનથી એક યુથ પ્રોગ્રામના સ્થળ સુધીના લગભગ બે કિલોમીટર લાંબા રૂટની બન્ને બાજુ બીજેપીના કાર્યકરો અને સપોર્ટર્સ સહિત હજારો લોકો કતારમાં ઊભા રહ્યા હતા. પીએમ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મોદી સાંજે પાંચ વાગ્યે નેવલ ઍર સ્ટેશન પર લૅન્ડ થયા હતા અને ત્યાંથી લગભગ ૫.૪૦ વાગ્યે તેમનો રોડ-શો શરૂ થયો હતો.
ADVERTISEMENT
પરંપરાગત કેરલિયન વસ્ત્રો-કસવુ મુંડુ, શૉલ અને કુર્તામાં મોદીએ રોડ-શોમાં પગપાળા ચાલવાનું શરૂ કર્યું હતું અને રોડની બન્ને બાજુએ રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમની સુરક્ષા માટે હજારોની સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.
ગઈ કાલે વડા પ્રધાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે મધ્ય પ્રદેશના રેવામાં એક જાહેર સભાને સંબોધી પણ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી આ પહેલાંની કૉન્ગ્રેસની સરકારોએ દેશમાં ગામડાંના લોકોની સાથે સાવકો વ્યવહાર કર્યો હતો અને તેમનો વિશ્વાસ તોડ્યો હતો.
તેમણે વધુ જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના રાજમાં લોકો, સ્કૂલો, રસ્તાઓ, ઇલેક્ટ્રિસિટી, સ્ટોરેજ ફેસિલિટીઝ, ગામડાંની ઇકૉનૉમી આ બધું જ સરકારની પ્રાથમિકતામાં તળિયે રાખવામાં આવતું હતું.